________________
આ પરિણામ ! એક ભાઇએ પોતાની અંતિમ પુત્રીના લગ્ન નિમિત્તે સમાજમાં વટ પાડી દેવા ખાતર ભારે જલસો કરવાનો વિચાર કર્યો...ખર્ચો કરવાનું પોતાનું ગજું તો હતું જ નહિ છતાં પત્નીનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ પૈસા ઊભા કર્યા...
જાન ત્રણ દિવસ પોતાને ત્યાં રહી...રોજના ત્રણેય ટાઇમના જમણવારમાં બબ્બે મિઠાઇ અને ત્રણ-ત્રણ તો ફરસાણ રાખ્યા...વેવાઈ પક્ષવાળાએ આવી મહેમાનગતિ તો ક્યાંય જોઇ જ નહોતી...એટલે તેઓ તો બે મોઢે કન્યાના બાપની પ્રશંસા કરવા લાગ્યા !...પ્રશંસા સાંભળીને કન્યાના બાપનો તો હર્ષ માતો જ નહોતો !
લગ્ન પતી ગયા...જાનને વિદાય આપવાનો વખત આવ્યો...કન્યાએ બાપના પગમાં પડીને આશીર્વાદ માગ્યા...રડતી આંખે બાપે આશીર્વાદ આપ્યા...જાન વિદાય થઇ...ગામડા ગામમાં બનેલો આ બનાવ હતો...એટલે જાન ગાડાઓમાં આવી હતી...
જાનના વિદાય થયા પછી કન્યાના બાપને વિચાર આવ્યો કે મારી મહેમાનગતિની આ લોકો મારી ગેરહાજરીમાં શું વાત કરે છે ? એ સાંભળવી તો જોઇએ જ ! પણ શી રીતે સાંભળવી ?
વિચાર કરતાં એ વાત તેના મનમાં બેસી ગઈ કે જાન જે રસ્તેથી જવાની છે ત્યાં નીચે મોટું લાંબું નાળું છે...એ નાળાની નીચે જો પહોંચી જાઉ તો બધુંય સાંભળવા મળે !
બસ, શેઠ બેઠા ઘોડા પર...અને ઘોડો મારી મૂક્યો...બાજુના રસ્તા પરથી ઘોડો નીચે ઉતારી દીધો અને નાળા નીચે શેઠ આવી ગયા...બરાબર એ જ સમયે જાનના ગાડા ઉપરના રસ્તા પર આવ્યા. જાનૈયાઓ વચ્ચે થઇ રહેલી વાત શેઠને સ્પષ્ટ સંભળાતી હતી...
ભાઈ ! જિંદગીમાં આવો ટેસદાર દૂધપાક તો ક્યાંય ચાખ્યો નહિ...” “અલ્યા ! બરફી શું કમ હતી ?'