________________
હઠાગ્રહ-કે દુરાગ્રહ જન્મે છે અહંકારમાંથી અને અહંકાર સદાને માટે બીજા પર આક્રમણ કરનારો હોય છે ! “મને જે ગમે છે તે તમને ગમવું જ જોઇએ...મને જે સાચું લાગે છે તે તમને પણ સાચું લાગવું જ જોઇએ !” અહંકારની આ પ્રવૃત્તિ છે...અને એ પ્રવૃત્તિ આફતોને નોતર્યા વિના રહેતી નથી...
એક વાત ખાસ ખ્યાલમાં રાખજો કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ અલગ હોય છે...અને એ જરૂરિયાતોના આધારે તેઓની માન્યતા નિર્મિત થતી હોય છે. ભેંસને માટે ઘાસ એ જીવન છે...તો ભૂંડને માટે વિષ્ટા એ જીવન છે ! બાળકને માટે દૂધ એ જીવન છે, તો યુવક માટે રૂપિયા એ જીવન છે ! ગરીબ માટે ભીખ એ જીવન છે, તો શ્રીમંત માટે સુખ-સાહૂબી એ જીવન છે ! હવે આ પરિસ્થિતિમાં એક વ્યક્તિ પોતાનું સત્ય બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે તો એ કેટલું ઉચિત કહેવાય ? એમાં સફળતા પણ ક્યાંથી મળે ?
અરે ! અલગ અલગ વ્યક્તિની વાત તો છોડો...પરંતુ એક જ વ્યક્તિનું સત્ય પરિસ્થિતિ બદલાતાં બદલાઇ જતું હોય છે...બાળપણમાં રમકડાં મેળવવા માટે રડતો છોકરો યુવાવસ્થાએ પહોંચ્યા પછી રમકડાંની સામે નજર પણ નાખતો નથી...! પ્રારંભમાં બાળમંદિરમાં પણ જવાનો ઇન્કાર કરી દેતો બાળક થોડા વખત પછી એક પણ દિવસ નિશાળમાં ગેરહાજર રહેવા તૈયાર થતો નથી ! ગરીબીના સમયમાં ભીખ માગવા ગલીએ ગલીએ કોઇપણ જાતની શરમ રાખ્યા વિના ભટકતો ભિખારી શ્રીમંત થયા પછી બીજાના ઘરે રુપિયા લેવા જતાંય શરમાય છે !
આ વાતને સદાય નજર સામે રાખીને જીવન જીવવામાં આવે તો મોટે ભાગે સંઘર્ષો થવાનો સંભવ જ નહિ રહે.. સામી વ્યક્તિ પ્રત્યે દુશ્મનાવટ પેદા નહિ થાય...આપણા જીવનમાં સંકલેશોના તોફાનો ઊભા નહિ થાય...
કૌટુંબિક જીવનમાં થતા સંઘર્ષોના મૂળમાં જશો તો મોટે ભાગે આ અભિનિવેશ જ કારણભૂત હશે...સાસુ માને છે કે મારી મરજી મુજબ જ વહુએ આ ઘરમાં રહેવું જોઇએ ! બાપ માને છે કે મારી ઇચ્છા મુજબ જ છોકરાએ ધંધો કરવો જોઇએ ! મોટાભાઇ માને છે કે નાનાભાઇએ દરેક પ્રવૃત્તિમાં મને પૂછવું જ જોઇએ ! પતિ માને છે કે મારી રજા વિના પત્નીએ કોઇની સાથે વાત પણ ન
૩૩૨