________________
જેનું આ જીવન (ભવ) બગડે તેના જનમ-જનમ (ભવોભવ) બગડતા જ
ચાલે...
જો આપણે આપણી ભવપરંપરાને સદ્ગતિમય બનાવી દેવા માગતા હોઇએ....તો આ ભવને-જીવનને ધર્મમય બનાવવું જોઇએ. જીવનને ધર્મમયસત્ત્વમય બનાવવું હોય તો મનને પવિત્ર રાખવું ઘટે. અને મનને પવિત્ર રાખવા માટે તન (શરી૨)ને શુદ્ધ અને આરોગ્યમય રાખવું ઘટે. અને તનની શુદ્ધિની આધારશિલા છે : આહારની શુદ્ધિ. આથી આહારની શુદ્ધિની બાબતમાં આપણે અત્યંત સાવધાન રહેવુ જોઇએ.
આહાર-શુદ્ધિની બાબતમાં જે અતિ મહત્ત્વના બે ગુણો છે તેને શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાના ગુણોમાં સોળમા અને સત્તરમા નંબર તરીકે સ્થાન આપી દીધું છે. તે છે : અજીર્ણ ભોજન ત્યાગ અને કાળે માફક ભોજન.
પહેલો ગુણ ‘અજીર્ણે ભોજન ત્યાગ' છે. જ્યારે અજીર્ણ જેવું લાગે ત્યારે ભોજન ન ક૨વું. ભોજનનો ત્યાગ કરવો. આ ગુણ બહુ જ અગત્યનો છે. જો માણસ આ નિયમનું વ્યવસ્થિત રીતે નિયમિત પાલન કરે તો તે આખી જિંદગીમાં પ્રાયઃ બીમાર પડે જ નહિ.
એક નગરના રાજાની પાસે ચાર મિત્રો આવ્યા. આ ચારેય જુદા જુદા શાસ્ત્રોના મહાપંડિતો હતા. તેમણે રાજા પાસે આવીને પ્રણામ કરીને પોતાની ઓળખાણ આપી. અને પોતે ચાર શાસ્ત્રોના મહાપંડિત હોવાથી પોતાનું જ્ઞાન રાજાને આપવા ઇચ્છે છે તેમ જણાવ્યું.
પહેલો પંડિત આયુર્વેદનો પરમ વિદ્વાન હતો. બીજો પંડિત કપિલ-મતનો, ત્રીજો બૃહસ્પતિ મતનો અને ચોથો પાંચાલ મતનો વિદ્વાન હતો.
રાજાએ કહ્યું ‘વિદ્વાન, પંડિતવર્યો ! તમારા જ્ઞાનનો વિસ્તારથી હું લાભ લઇ શકું તેટલો મારી પાસે સમય નથી. તેથી તમે એક કામ કરોઃ તમે તમારા જ્ઞાનનો ‘સાર' એકેક ચરણ (શ્લોકનો ચોથો ભાગ) માં તૈયાર કરીને મને એક શ્લોક બનાવીને સંભળાવજો.’’
ચારેય મિત્ર-પંડિતોએ ભેગા થઇને એક શ્લોક રચ્યો. અને બીજે દિવસે રાજસભામાં રાજાને સંભળાવ્યો.
૨૬૯