________________
દીક્ષા લીધી. દીક્ષા લેતી વખતે તેમનો પુત્ર ખૂબ નાનો હોવાથી પુત્રના વતી મંત્રીઓને રાજગાદી સોંપીને અને જ્યારે પુત્ર ઉમરલાયક થાય ત્યારે તેને રાજ્ય સોંપી દેવાની ભલામણ કરીને પ્રસન્નચન્દ્ર ભગવાન મહાવીર દેવનાં ચરણોમાં દીક્ષા લીધી હતી. મંત્રીઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોવાથી બીજો કોઈ સવાલ ઉપસ્થિત થતો ન હતો.
દીક્ષા લીધા બાદ પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ જોરદાર તપશ્ચર્યા આરંભી. એક સમયની વાત છે. તેઓ એક પગ ઉપર બીજો પગ ચડાવીને, બે હાથ ઊંચા કરીને, સૂર્યની સામે દૃષ્ટિ સ્થિર રાખીને આતાપના-પરિષહ લઈ રહ્યા હતા. અને ધ્યાનમુદ્રામાં ઊભા હતા.
આ બાજુ મગધદેશના મહાન રાજવી અને પ્રભુ મહાવીરના પરમ-ભક્ત રાજા શ્રેણિક ઠાઠમાઠ-પૂર્વક ભગવાન મહાવીરને વન્દના કરવા જઇ રહ્યા હતા. રસ્તામાં તેમણે પ્રસન્નચન્દ્ર મુનિને ધ્યાનમુદ્રામાં ઊભેલા જોયા. તેથી તેમણે મુનિવરનાં ચરણોમાં જઇને ભાવભરી વન્દના કરી.
ભગવંત પાસે પહોંચ્યા બાદ તેમણે અવસર જોઇને પ્રભુને એક પ્રશ્ન કર્યો “ભગવંત ! હું આપને વન્દના કરવા આવતો હતો ત્યારે રસ્તામાં મને મળેલા તે મુનિવર-જેઓ સૂર્ય સામે આતાપના લઇ રહ્યા હતા તે હમણાં જ જો કાળધર્મ પામે તો કઈ ગતિમાં જાય ?”
શ્રેણિકના મનમાં એમ હતું કે આવી ઘોર સાધના કરતા મુનિ કાળ કરે તો ઊંચા સ્વર્ગલોકમાં અથવા મોક્ષમાં જ જાય ને ? પરંતુ ભગવંતે શ્રેણિકને જવાબ આપ્યો: “તે મુનિવર હમણાં મરે તો સાતમી નરકે જાય.”
શ્રેણિકના આશ્ચર્યનું પાર ન રહ્યું, તે ઘડીભર વિચારમાં પડી જાય છે. થોડીવાર બાદ ફરીથી શ્રેણિક પૂછે છે : “ભગવદ્ ! હમણાં મરે તો તે મુનિવર ક્યાં જાય ?”
ભગવંત જવાબ આપે છે : “હમણાં મરે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય...' વળી, થોડી ક્ષણો પસાર થઈ ત્યાં તો આકાશમાંથી દેવદુન્દુભિ વાગી રહી. શ્રેણિકના પ્રશ્ન અને પ્રભુના પ્રત્યુત્તર :
શ્રેણિક પૂછે છે : “ભગવન્! આ દેવ-દુન્દુભિ કેમ વાગી રહી છે...?''