________________
છે. મીરાં કહે છે કે એણે તો પ્રેમ આંસું ડાર ડાર અમર વેલ બોઈ.' આમ મીરાંએ આલેખેલા પ્રણયમાં એ પોતે જ પાત્રરૂપે આવે છે. જ્યારે આનંદધનમાં તો કવિ પ્રણયાલેખનમાં પણ અધ્યાત્મભાવને વ્યક્ત કરતાં રૂપકો આલેખે છે. મીરાંનાં પદોમાં આવતાં પાત્રો એ સ્થૂળ સંસારના પાત્રો છે, જ્યારે આનંદધનમાં આવતાં પાત્રો એ કોઈ આત્મઅનુભવના પ્રતિકરૂપે આલેખાયેલાં રૂપકો છે. ચેતન પતિ, સુમતિ પત્ની, કુમતિ શોક્ય, જ્ઞાન (અનુભવ) અને વિવેક એ સુમતિના ભાઈઓ તેમજ ચેતનના મિત્રો છે.
પ્રેમવિરહિણી મીરાંનાં પદોમાં આત્મલક્ષિતા વધુ લાગે છે. જ્યારે જ્ઞાની આનંદધનનાં પદો પ્રમાણમાં વધુ પરલક્ષી છે. મીરાંમાં જે નારીહૃદયના ઉદ્ગારો છે, એ જ પ્રકારના ઉદ્ગારો આનંદધનમાં મળે છે, પણ ત્યાં એ ઉદ્ગારોને કવિ રૂપક તરીકે આલેખે છે. આથી મીરાંનાં પદોમાં તાદાત્મ્ય અને આનંદધનનાં પદોમાં તટસ્થતા અનુભવાય છે. મીરાંની વેદના એના હૃદયમાંથી નીતરે છે, તો આનંદધનની વેદના એ મર્મી સંતની વેદના છે. આનંદધનની ભક્તિ એ અખાના જેવી છે. એમાં જ્ઞાનને અનુષંગે આવતી ભક્તિ જોવા મળે છે. જ્ઞાન જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે આનંદધનમાં દેખાય છે. ભક્તિ જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે આપોઆપ દર્શન પ્રાપ્ત થાય છે એ મીરાંમાં દેખાય છે. આનંદધનની ભક્તિ તત્ત્વજ્ઞાનને અનુષંગે થતી ભક્તિ છે. આથી એમનાં રૂપકોમાં પણ રહસ્યવાદ જોવા મળે છે. આમ છતાં મીરાં જેટલી તદાકારતા અને સચોટતા આનંદધન એમનાં પદોમાં સાધી શક્યા છે, તે પદકવિ તરીકેની તેમની વિશિષ્ટ સિદ્ધિ ગણાય. પદના સ્વરૂપમાં મીરાંએ ભક્તિ અને આનંદધને મસ્તી રેલાવી છે. બંને કવિઓએ આ પદોમાં પોતાના આત્માનુભવનું બયાન કરવાની સાથોસાથ પદસાહિત્યમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે.
જ્ઞાનધારા
૨૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪