________________
અણગારનાં અજવાળા ]
[ ૯૭ શ્રી આત્મારામજી મહારાજ સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ધદ્રષ્ટા, શાસન-પ્રભાવક યુગપ્રવર્તક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ)નું જીવન અનેક પ્રેરક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે.
ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમ તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણસ્વીકાર અવશ્ય કરવો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો તેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે આત્માઓ સંજોગોનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા. તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બૂટેરાયજી મહારાજ અને તેમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ.
આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૯૨ના શૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિતારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા ગણેશચંદ્રના. જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યો, તો પણ ગણેશચંદ્ર દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહીં.