SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ આમ છતાં આખ્યાનની અસરથી કથા-વાર્તાનું સાહિત્ય અલિપ્ત રહી શક્યું નથી. આખ્યાનમાં જેમ વાર્તાની શરૂઆત મંગળાચરણ કે ઈષ્ટદેવની સ્તુતિથી, ને વાર્તાને અન્તે કવિનો પરિચય કે ફ્ળશ્રુતિ આવતાં, તેવી જ રીતે કથાવાર્તામાં પણ આરંભમાં ઈષ્ટદેવની સ્તુતિ તથા મંગળાચરણ આવતાં અને અંતે ફળશ્રુતિ પણ આવતી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ પણ આખ્યાનની પૌરાણિક કથાઓમાંથી લેવાતી. જેમ કે નળને કર્કોટક નાગ અગ્નિમાંથી એને બચાવ્યો તેથી વરદાન આપે છે, તે જ રીતે શામળની મદનમોહના'માં પણ મોહના સાપને આગમાંથી બચાવે છે, એટલે સાપ એને વરદાન આપે છે. આખ્યાનની જેમ કથાવાર્તામાં પણ પ્રત્યક્ષ કથનશૈલી છે. આ કથા-વાર્તા પર સંસ્કૃત તેમજ જૈનકથાઓની પ્રબળ અસર હતી. જેમ સંસ્કૃત કથાઓમાં, દશકુમારચરિત, પંચતંત્ર, કાદંબરી વગેરેમાં એક કથામાં અનેક આંતરકથાઓ ગૂંથાયેલી છે, અને કથાનું એક પાત્ર, પોતાના વક્તવ્યના સમર્થનમાં બીજા પાત્રને કથા કહે છે, તે જ રીતિ જૈન રાસાઓમાં નજરે પડે છે. અને તેનું જ પુનરાવર્તન જૈનેતર કથાવાર્તાસાહિત્યમાં પણ થયેલું નજરે ચઢે છે. દૃષ્ટાન્ત તરીકે, શામળની મદનમોહનામાં પંડિત મદનમોહનાને, તથા મોહના મદનને તથા પંડિતને છ દૃષ્ટાન્તકથાઓ કહે છે. આવી જ નિરૂપણરીતિ સમગ્ર કથાસાહિત્યમાં જડે છે. જૈનકથાઓમાં જેમ અનેક જન્મોની કથાઓ આવે છે, તેવી જ રીતે શિવદાસકૃત ‘હંસાઉલી’ માં, વીરજીકૃત ‘કામાવતી'માં તથા શામળકૃત ઉદ્યમકર્મસંવાદ'માં આવે છે. ડોલરરાય માંકડ કહે છે આ કથાશૈલીમાં એક કથા નથી હોતી પણ એકથી વધુ વાર્તાનાં ગુચ્છ હોય છે. અને એક વાર્તામાંથી બીજી ફૂટે એવી એની કથનશૈલી હોય છે. શામળાદિની કથાશૈલીમાં કાદંબરી વગેરેની કથાશૈલીનું સીધું સાતત્ય નથી, પણ બૃહદ્કથાની કથાશૈલીનું સીધું સાતત્ય છે.’ ૧૯ સંસ્કૃત તથા જૈન કથાઓની બીજી અસ૨ વાર્તામાં વચ્ચે આવતાં ડહાપણનાં મુક્તકો તથા પ્રહેલિકાઓ છે. આ મુક્તકો તથા પ્રહેલિકાઓ ઘણીવાર સંસ્કૃતમાં જ આવતાં. જૈન કથાઓમાં સંસાર તરફ ઘૃણા ઉપજાવવા, શ્રોતાઓમાં વૈરાગ્ય પ્રેરવા, અને તેમને કામવાસનાથી દૂર રાખવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી, અને સ્ત્રીપાત્રોને કુટિલ ચીતરવામાં આવતાં. જૈન રાસાઓની આ અસર જૈનેતર કથાઓ પર પણ પડી છે, ને એમાં પણ કાં તો વાર્તાકાર જાતે જ સ્ત્રીનિંદા કરે છે અથવા તો સ્ત્રીઓને દુરાચારી તથા કુટિલ દર્શાવે છે. આની સાથે એ પણ કહેવું જોઈએ કે આ વાર્તાઓમાં નારીપાત્રો જ વિશેષ તેજસ્વી લાગે છે. એ પોતે જ પતિની પસંદગી કરે છે, અને પ્રેમી આનાકાની કરે તો જબરદસ્તીથી એને પરણે છે. પુરુષ વેશમાં ફરે છે, અનેક સાહસો કરે છે, અને એ વેશમાં અનેક સ્ત્રીઓને પરણે છે. ‘હંસાવલીવિક્રમચરિત્ર’ની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy