SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનો કુળક્રમ ૩૧ સ્તરનાં ત્રણ ભાષાસ્વરૂપ પ્રચલિત હતાં. દેવતાનાં સ્તોત્રો કે સૂક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે બ્રાહ્મણો–પુરોહિતો એક ખાસ (ને મુકાબલે પ્રાચીન, અને અન્યથા કાલગ્રસ્ત) ભાષાસ્વરૂપ વાપરતા. ઋગ્વેદ વગેરેની વૈદિક ભાષા એ તેનો જળવાઈ રહેલો નમૂનો છે. આ ઉપરાંત બ્રાહ્મણો તથા અન્ય ઉચ્ચ વર્ગોમાં શિષ્ટ વ્યવહાર અને અધ્યયન-અધ્યાપન માટે એક એવું ભાષાસ્વરૂપ વપરાતું, જે સૂક્તોની ભાષાથી વધુ આગળ વધેલું, વધુ અર્વાચીન હતું. આ બે સિવાય ત્રીજું ભાષાસ્વરૂપ સામાન્ય જનતામાં નિત્યના વ્યવહાર માટે વપરાતું, જે ઉપર્યુક્ત બીજા સ્વરૂપથી પણ વધુ પરિવર્તન પામેલું હતું. આમાંનું બીજું સ્વરૂપ પછીથી ‘સંસ્કૃત’ ભાષા તરીકે સ્થિર થાય છે, અને ત્રીજા સ્વરૂપનો મધ્યદેશ અને પશ્ચિમ કાંઠે પ્રવર્તતો ભેદ, શતાબ્દીઓ પછી, સાહિત્યિક શૌરસેની પ્રાકૃતની આધારશિલા બને છે. ભાષાનું સાહિત્યિક સ્વરૂપ બંધિયાર બનતું જાય છે. બોલચાલનું સ્વરૂપ જ પરિવર્તનશીલ હોય છે. એ અનુસાર સમય જતાં આર્યો પંજાબ ને ગંગાયમુનાના દોઆબમાં થઈને પૂર્વ તરફ બિહા૨ સુધી વિસ્તર્યા તેમતેમ એમની બોલીઓમાં પ્રાદેશિક ભેદો સ્પષ્ટ સ્વરૂપ પકડતા ગયા. બ્રાહ્મણ ગ્રંથોમાં ઉદીચ્ય(ઉત્તરનો), મધ્યદેશીય(એટલે હાલના મધ્યપ્રદેશનો નહિ, પણ ગંગાયમુનાના દોઆબનો) ને પ્રાચ્ય(પૂર્વનો) એવા ભાષાભેદોના ઉલ્લેખ છે. ઈ. પૂર્વે છઠ્ઠી-પાંચમી શતાબ્દીમાં મધ્યદેશીય ભાષાના શિષ્ટ વ્યવહા૨માં વપરાતા રૂઢ સ્વરૂપને નિયમબદ્ધ કરવાના પ્રયત્ન થયા છે. એવા પ્રયત્ન પાણિનિના વ્યાકરણમાં અંતિમ કક્ષા સિદ્ધ કરે છે, અને ઉપર કહ્યું તેમ, ‘સંસ્કૃત’ નામે એ ભાષાપ્રકાર મધ્યપ્રદેશના સાંસ્કારિક વર્ચસને કા૨ણે વધુ ને વધુ પ્રસાર પામતો રહી સર્વકાલીન ગૌરવનો ભાગી બને છે. ભારતીય-આર્યની મધ્યમ ભૂમિકાનો પણ આરંભ ઈસુ પૂર્વે છઠ્ઠી સદી લગભગ થયો હતો. એ અરસામાં બુદ્ધે અને મહાવીરે એમના સમયમાં પંડિતો અને શિષ્ટ વર્ગમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ નહિ કરતાં સામાન્ય જનતાની નિત્યના વ્યવહારની ભાષામાં ઉપદેશ અને પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું. આ રીતે સંસ્કૃતની જેમ પૂર્વના પ્રદેશની એક જનબોલીને પણ પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યાં. પૂર્વની એ માગધીની જેમ મધ્યદેશની, ઉત્તરની તથા પશ્ચિમની જનબોલીઓ પણ આગવા સ્વરૂપે વિકસી રહી હતી. ત્યારથી ભારતીય આર્ય ભાષાઓની બીજી ભૂમિકા – ‘પ્રાકૃત’ ભૂમિકા આરંભાય છે. ઈસવી સન પૂર્વે ત્રીજી શતાબ્દીમાં અશોકના શિલાલેખોની ભાષામાં આપણને તત્કાલીન બોલીઓનું સ્થૂળ ચિત્ર છતાં પણ અમુક અંશે વાસ્તવિક-ચિત્ર પ્રથમવાર જોવા મળે છે. એમાં પ્રગટ રીતે પૂર્વની, પશ્ચિમની અને ઉત્તરની બોલીઓ તારવી શકાય છે.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy