SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિલેપારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશ મંડળ' નામક પાઠશાળામાં અભ્યાસ માટે મૂક્યા. આ સમય રતિભાઈના સાધકજીવન માટેનો પ્રારંભકાળ ગણી શકાય. ત્યાં પાઠશાળાના ગૃહપતિ શ્રી નાગરદાસ કસ્તુરચંદ શાહના ચરિત્ર અને પંડિતવર્ય શ્રી જગજીવનદાસની જ્ઞાનસાધનાથી રતિભાઈએ પોતાનાં જીવનને સુસંસ્કૃત બનાવ્યું અને આ રીતે તેમનું જીવન એક નવા વળાંકે આવી ઊભું રહ્યું. વિલે પારલાની પાઠશાળામાં સ્થાયી થયા ત્યાં આખી પાઠશાળાનું બનારસ ખાતે સ્થળાંતર થયું. ત્યાં તેમના પિતરાઈ ભાઈ બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખ) પણ આ પાઠશાળામાં જોડાયા. બંને ભાઈઓએ સાથે રહીને અભ્યાસ કર્યો. બે અઢી વર્ષ સુધી પાઠશાળાને બનારસ અને આગ્રામાં ચાલુ રાખ્યા બાદ શિવપુરીમાં આ પાઠશાળા સ્થિર થઈ. અહીં તેમની સ્થિરતાથી અભ્યાસ શરૂ થયો. શ્રી રતિભાઈએ ખૂબ ખંતપૂર્વક અભ્યાસનો જાણે યજ્ઞ માંડ્યો. તેઓ નિયમિત સ્વાધ્યાય, ચિંતન, મનન કરતાં અને સતત પરિશ્રમ કરીને તેઓશ્રીએ ઈ. સ. ૧૯૨૮માં કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી પ્રાપ્ત કરી. આવી પદવી મેળવનાર તેઓ પાઠશાળામાં પ્રથમ વિદ્યાર્થી હોવાથી પાઠશાળાએ તેમને તાર્કિક શિરોમણિની પદવી આપવાનું નક્કી કર્યું, પણ પોતે આ પદવી માટે યોગ્ય નથી તેમ કહી ન સ્વીકારી. આખરે પાઠશાળાએ તેમને ‘તર્લભૂષણની પદવી આપી. શિવપુરીની પાઠશાળા અને પોતાના અન્ય અભ્યાસ દરમિયાન શ્રી રતિભાઈનાં જીવન પર ન્યાયના અધ્યાપક રામગોપાલાચાર્ય, પંડિતશ્રી જગજીવનદાસ, મુનિરાજ શ્રી જયંતવિજયજી મ.સા. શ્રી નાગરઘસ કસ્તુરચંદ શાહ, પંડિતવર્ય શ્રી સુખલાલજી, પંડિત શ્રી બેચરદાસજી, પ્રો. ફિરોજ કાવસજી દાવર, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. દર્શનવિજયજી મ.સા. ઉપરાંત આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા. વગેરેનાં સંસ્કાર અને સાધના સિંચાયેલા છે. તેમાંયે પૂ. શ્રી પુણ્યવિજયજી મ.સા. પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા તો અવર્ણનીય હતાં. શિવપુરીનો અભ્યાસ, પદવીની સફળતા તથા ઉપરોક્ત મહાનુભાવોની ભક્તિ અને આશીર્વાદ સહ તેમની સાધક તરીકેની જીવનયાત્રા અને સાહિત્યની યાત્રા શરૂ થઈ. ઈ. સ. ૧૯૩૦માં સખત પુરુષાર્થ કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી સાથેસાથે એ જ વર્ષમાં સંસ્કારી કુટુંબના મરઘાબહેન (મૃગાવતીબહેન) સાથે તેમનાં લગ્ન થયાં. ગૃહસ્થજીવનની મંગલ શરૂઆત થઈ. સંસારરથને ચલાવવા માટે તેઓએ શ્રી વિજયલક્ષ્મી જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે પ્રથમ નોકરી સ્વીકારી. લગભગ અઢી વર્ષ નોકરી કર્યા પછી એમને સંસ્કૃત સાથે M.A.ની ડિગ્રી મેળવવાની ઇચ્છા થઈ એટલે ૨૬ વર્ષની ઉંમરે અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રિવિયસના વર્ગમાં જોડાયા પણ પ્રયત્નમાં સફળતા ન મળી. સાથે આર્થિક સંજોગોએ પણ સાથ ન આપ્યો અને M.A. થવાની મહત્ત્વકાંક્ષા તો મનની મનમાં જ રહી. સાહિત્યસાધક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ + ૧૬૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy