________________
ક્ષમાપના
૩૮૫
વગર રહે નહીં. એટલું આજ્ઞાનું બળ અને માહાત્મ્ય છે. ભગવાનના આત્મસ્વરૂપ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ પણ તમે પ્રગટ કર્યું છે તેવું જ છે, પણ તે નજર ક્યારે જાય? એ વિષે પરમકૃપાળુદેવ કહે છે,
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
નવ તત્ત્વને સૂક્ષ્મતાથી હેય, જ્ઞેય, ઉપાદેયના પડખાથી વિચારો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ તમારો શુદ્ધ આત્મા છે એનું માહાત્મ્ય આવશે. આસ્રવ-બંધ તો હેય છે. એટલે પુણ્ય અને પાપ પણ હેય છે. કેમ કે, એ બંને આસ્રવ છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. એનું પણ હવે તમને માહાત્મ્ય નહીં આવે. અજીવનું પણ માહાત્મ્ય નહીં આવે. પૈસા અજીવ છે, મકાન અજીવ છે, સ્ત્રી-પુત્રોના શરીર અજીવ છે, તારું શરીર પણ અજીવ છે, જે જે દેખાય છે એ બધા અજીવ પદાર્થો છે. એ અજીવ પદાર્થ પ્રત્યેનું તને જ્ઞાન થશે તો તારો મોહ સ્વયં ઓછો થઈ જશે. અજીવ કોઈ દિવસ જીવને સુખ આપી શકે નહીં. જડ દ્વારા ચેતનને સુખ મળી શકે ? અને આ જીવ જડ વિષયોને, પાંચ ઈન્દ્રિયોના વિષયોને ભોગવીને સુખ લેવા ઇચ્છે છે ! બસ, એ જ એનું અજ્ઞાન છે, એ જ સુખાભાસ છે. સૂક્ષ્મ વિચારથી તત્ત્વમાં ઊંડા ઉતરો તો, છેવટે –
જે દષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૧
દુનિયાના તમામ પદાર્થો, ચેતન અચેતન બધાય પદાર્થોને બાદ કરતાં કરતાં આ હું નહીં, આ હું નહીં, એટલે કે એમ આખું જગત બાદબાકીમાં આવી જશે. હવે બાકી રહેલું ‘અબાધ્ય અનુભવ’, જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તે હું એમ કહી ઉપયોગમાં એને પકડીને નિર્વિકલ્પપણે બેસી જાવ, એટલે તમારું કાર્ય પૂરું. ‘શુદ્ધ ચૈતન્ય સ્વરૂપોહમ્’, ‘નિર્વિકલ્પ સ્વરૂપોહમ્’, ‘સહજાત્મ સ્વરૂપોહમ્’, ‘પરમાત્મ સ્વરૂપોહમ્' - વારંવાર આના પુટ આપો, પછી આ પુટના પણ વિકલ્પો છૂટે એટલે આત્મામય બની જવાય. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૃંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે ૨.
―
- શ્રી આનંદઘનજી કૃત શ્રી નમિનાથ જિનસ્તવન