________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 443 સાથે એક એક ઋદ્ધિ મંત્ર, તંત્ર અને મહાભ્ય સૂચક આખ્યાન સંબંધિત છે. આના પૂજન-પાઠ અને ઉદ્યાપન પણ રચવામાં આવ્યાં છે. સ્તોત્રની ઉત્પત્તિ વિષયક કથાઓ પણ તેના ચમત્કારિત્વની ઘાતક છે. જૈન પરંપરાના બધા જ સંપ્રદાયો, ઉપસંપ્રદાયોમાં આ સર્વાધિક લોકપ્રિય સ્તોત્ર છે. અગણિત જૈન સ્ત્રી-પુરુષો તો આનો નિત્ય નિયમિત પાઠ ભક્તિપૂર્વક કરે છે. અનેક જૈનેતર વ્યક્તિ પણ આનાથી પ્રભાવિત છે. આમાં જે અમૃત ભરેલું છે. તેનું પાન કરીને જુદા જુદા ધર્મી પંડિતગણ વારંવાર માથું ખંજવાળે છે અને મુગ્ધ થઈ જાય છે. સ્તોત્રનો પાઠ કે આરાધના ક્યારે અને કેવી રીતે કરવામાં આવે તેના માટે નિયમો પણ પ્રચલિત થઈ ગયા છે.
પ્રાચીન કાળમાં ભક્તામર સ્તોત્રનાં પઠન, જપમાલનું જેટલું મહત્ત્વ હતું તેટલું જ કદાચ વર્તમાન સમયમાં પણ છે. નિત્ય ગણવામાં આવતાં નવસ્મરણોમાં સાતમા સ્થાને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. નિત્ય સવારે દેરાસરોમાં સ્તોત્રનો સમૂહપાઠ થતો જોવા મળે છે. દિગમ્બર સંપ્રદાયમાં પર્વોત્સવ પ્રસંગે આ સ્તોત્રનો અખંડ જાપ કરવામાં આવે છે.
ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાળનો એક પ્રસંગ જોઈએ તો એ સિદ્ધ થાય છે કે ભક્તામર સ્તોત્રનો પાઠ નિત્યક્રમમાં સાંભળવાની-સંભળાવવાની પરંપરા પૂર્વકાળમાં પણ ચાલી રહી હતી. આ પ્રસંગ આ પ્રમાણે છે.
એક વૃદ્ધા નિત્ય પ્રાતઃકાલમાં ઉપાશ્રયે જઈને ભક્તામર સ્તોત્રનો પાઠ સાંભળ્યા પછી જ ભોજન લેતી હતી. એક વાર ત્રણ દિવસ સુધી ખૂબ મુશળધાર વરસાદ પડવાને કારણે તે ઉપાશ્રય જઈ શકી નહિ, એટલે તેને અઠ્ઠમની તપશ્ચર્યા થઈ. તેના છ વર્ષના પુત્રને જ્યારે પોતાની માતાના આ ઉપવાસોનું કારણ જાણવામાં આવ્યું, ત્યારે તેણે પોતાની માતાને ભક્તામર સ્તોત્રનો પૂરો પાઠ સંભળાવી દીધો. તેથી પ્રસન્ન થયેલી માતાએ તેને છાતીસરસો દબાવી દીધો. ભોજન કર્યા પછી જ્યારે તને પૂછવામાં આવ્યું કે, “આટલું મોટું સ્તોત્ર શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણ સાથે તે કેવી રીતે યાદ કરી લીધું ?, ત્યારે તેણે કહ્યું કે, “હે માતાજી ! હું તમારી સાથે રોજ ઉપાશ્રયે આવતો હતો. ત્યાં જે સ્તોત્રપાઠ થતો હતો, તે સાંભળતાં સાંભળતાં મને કંઠસ્થ થઈ ગયો.”
આ પ્રતિભાશાળી બાળક આગળ જતાં ‘ઉપાધ્યાય યશોવિજયજી'ના નામથી પ્રખ્યાત થયો.
આચાર્ય આનંદ ઋષિ ભક્તામર વિષે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવે છે કે, “ભક્તામર જૈન જગતનું શક્તિશાળી સ્તોત્ર છે. આચાર્ય માનતુંગની આ બેજોડ રચના છે. ભક્તિયુક્ત રસપૂર્ણ કાવ્ય છે. તેનું નિર્માણ ત્યારે થયું જ્યારે આચાર્ય એક કાળકોટડીમાં બેઠા હતા. રાજાનો હઠાગ્રહ હતો. પરંતુ શાંત, દાન્ત ભાવમાં આત્મરમણ કરનાર આચાર્ય પોતાની મસ્તીમાં મસ્ત બનીને પ્રભુ ઋષભદેવનું સ્મરણ કરી રહ્યા છે. ના તો આપત્તિમાંથી બહાર નીકળવાની ભાવના છે, ના તો લોકેષણાની.
એવા સમયે આ સ્તોત્રરત્નનું સર્જન થયું હતું. એ જ સ્તોત્રનો આજે તમામ જેનો નિર્વિવાદપણે પાઠ કરે છે."