________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 341 શૃંખલાવાળી કથા સંબંધિત ચર્ચાના સમાપનમાં તેઓ આ નિર્ણય પર પહોંચ્યા હતા કે બેડીઓની ૪૪ સંખ્યા જ મારી દૃષ્ટિએ ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યાની માન્યતાનું કારણ છે.”
બેડીઓની સંખ્યા પરથી શ્લોકની સંખ્યાપ્રમાણ નક્કી કરવા માટેનું કારણ છે એવું અમૃતલાલ શાસ્ત્રીનું માનવું છે પરંતુ ત્યાં પ્રાથમિકતા પદ્ય સંખ્યાની હતી, બેડીઓની સંખ્યાની નહિ. આ વાત પણ તર્કસંગત નથી કે તેમાં કિંવદત્તી પહેલાં રચવામાં આવે અને ત્યારબાદ તેને પ્રમાણ માનીને સ્તોત્રના શ્લોકની સંખ્યામાં ફરક કરી નાખવામાં આવે. એ વ્યવહારમાં પણ અસંભવિત જણાય છે. એને નજર સમક્ષ રાખીને જ ૪૪ બેડીઓની કથાનું વર્ણન થઈ શકે છે.
શ્લોકની કે બેડીની સંખ્યા ૪૪ જ હોઈ શકે કારણ કે આ અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનેશ્વરો અને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં ૨૦ જિનેશ્વરો મળી ૪૪ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તોત્ર છે. એના કારણ તરીકે એનું એકેક પદ્ય એકેક જિનેશ્વરની સ્તુતિરૂપ છે. એવી વૃદ્ધ પરંપરા સૂચવે છે.
આમ ૪૪ની સંખ્યામાં બીજા કોઈ પણ જાતની વિશેષતા નથી કે જેના આધાર પર બેડીઓ માટે ૪૪ શ્લોકો જ લેવા જરૂરી બની જાય. ફક્ત આ તર્કને લઈને જ દંતકથાઓ માટે અત્યાધિક આદર દેખાડીને એના માટે લોક પ્રસિદ્ધ સ્તોત્રને ખંડિત કરવામાં આવે એટલું જ નહિ એવી છેડછાડ કે સ્વેચ્છાચારને સંપ્રદાયના વિભિન્ન ગચ્છોના અનેક આચાર્યો અને મુનિઓનાં સમર્થન પણ પ્રાપ્ત થઈ જાય. એવી કલ્પનાને મોટા સાહસનું દ્યોતક જ માની શકાય. એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે દિગમ્બરમાન્ય કથા અને પાઠમાં બેડીઓની સંખ્યા ૪૮ની જ કેમ આવી ગઈ? શું એનો આધાર ત્યાં માન્ય ૪૮ શ્લોકોની સંખ્યા નથી ? અર્થાત્ ત્યાં પણ શ્લોકોની સંખ્યા પર જ તો મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે.
૪૪ સંખ્યાનો સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી વિચારીએ તો આવો મેળ તો એક રીતે આકસ્મિક છે. નહીંતર આ સૂચનાનું એમાં કોઈ ઔચિત્ય છે જ નહિ. કારણ નજર સમક્ષ દૃષ્ટિગોચર થાય છે કે સ્તોત્ર કેવળ શ્રી આદિનાથ પ્રભુને સંબોધીને રચવામાં આવ્યું છે. કોઈ પણ શ્લોકમાં ક્યાંય પણ વર્તમાન ચોવીશી કે અન્ય તીર્થકરો કે એના સિવાયના અત્યારના મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ૨૦ તીર્થકરોના કોઈ પણ રૂપનું વર્ણન નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો કોઈ ઉલ્લેખ પણ નથી.
આ વિષયના સંદર્ભમાં શ્રી પંડિતવર્ય અજિતકુમાર જૈન શાસ્ત્રી જણાવે છે કે “શ્વેતામ્બર સંપ્રદાયમાં કલ્યાણ મંદિર સ્તોત્ર દિગમ્બર સંપ્રદાયની જેમ જ ૪૪ શ્લોકવાળું જ માનવામાં આવે છે. પરંતુ ભક્તામર સ્તોત્રને શ્વેતામ્બરો ૪૮ શ્લોકવાળું ન માનતાં ૪૪ શ્લોકવાળું જ માને છે. ૩૨, ૩૩, ૩૪, ૩૫ નંબરોવાળા ૪ પદો શ્વેતામ્બર સંપ્રદાયે પોતાના ભક્તામર સ્તોત્રમાંથી કાઢી નાખ્યાં છે. આનાથી પ્રચલિત ભક્તામર સ્તોત્ર સંપ્રદાયક ભેદથી બે રૂપમાં મળી આવે છે.
ભક્તામર સ્તોત્રમાં દિગમ્બર સંપ્રદાયની માન્યતા અનુસાર ૪૮ શ્લોક જ કેમ નથી ? એનો ઉત્તર ત્રણ પ્રકારથી પ્રાપ્ત થાય છે.