________________
210 // ભક્તામર તુલ્ય નમઃ | આવા ભક્તિભાવપૂર્વક પ્રભુના અલૌકિક અનન્ય સ્વરૂપનું દર્શન કરી લે છે, તેઓને પછી તમારા સિવાય જે કોઈ પણ છે તે સર્વે અન્યત્ર, અવિલોકનીય અને અદર્શનીય લાગે છે. હવે તેને જગતની અન્ય કોઈ વસ્તુ જોવાથી સંતોષ થતો નથી. તારાં દર્શન માત્રથી જે અતૃપ્ત હતું તે સંતુષ્ટ થઈ ગયું. જે શ્રેષ્ઠ હોય તે જ ગ્રહણ કરવું. ઊતરતી કક્ષાની વસ્તુ શા માટે ગ્રહણ કરવી? અને શ્રેષ્ઠતાની અપેક્ષાએ જ સૂરિજી માત્ર શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાનો નિશ્ચય કરે છે.
શ્રી માનતુંગસૂરિજી પોતાના આ ભાવો સમજાવવા માટે ક્ષીરસમુદ્રના દૂધ અને સમુદ્રના ખારા પાણીનું ઉદાહરણ આપે છે કે હે પ્રભુ! સોળે કલાએ ખીલેલા ચંદ્રમાની શુભ ચાંદનીની કાંતિસમાન ક્ષીરસમુદ્રનું દૂધ પીધા પછી લવણસમુદ્રના ખારા પાણીને પીવાની ઇચ્છા કોઈ કરે ખરું? અર્થાત્ કોઈ પણ જીવ આવી ઇચ્છા ન જ કરે.
આ સંદર્ભમાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “ક્ષીરસમુદ્રમાં મગરમચ્છ નથી, મેલ નથી, તેનું પાણી ખીર જેવું મીઠું છે. તે ચાખ્યા પછી લવણસમુદ્રનું ખારું પાણી મોઢામાં કોણ નાખશે? તેમ હે દેવ ! આપના શાસનમાં આવીને ચૈતન્ય સમુદ્રની અતીન્દ્રિય શાંતિનો રસ ચાખ્યો, હવે આખોય સંસાર અમને ખારી લાગે છે. સમસ્ત પરભાવોથી પાછા વળીને અમારી પરિણતિ અંતરના સ્વભાવ તરફ ઢળે છે. હવે સર્વજ્ઞ વીતરાગ દેવ સિવાય બીજા અજ્ઞાની-રાગી કુદેવોની માન્યતા આત્માના સર્વ પ્રદેશથી છૂટી ગઈ છે. જે રાગાદિમાં ધર્મ માને તેણે તો હે દેવ ! વીતરાગ એવા આપને દીઠા જ નથી. આપનું વીતરાગી રૂપ જગતમાં સૌથી સુંદર છે. તેને ઓળખ્યા પછી અમારી દષ્ટિ હવે બીજે ક્યાં થંભતી નથી. અમારા રોમેરોમમાં, પ્રદેશ-પ્રદેશમાં આપની વીતરાગતા વસી. ગઈ છે.”
શ્રી આદિનાથ ભગવાન ચંદ્રની ચાંદની જેવા શીતળ અને પ્રસન્નતા આપનાર ક્ષીરસમુદ્રના દૂધ જેવા છે. પ્રભુના આવા આલાદક શાંત-શીતળ અનુપમ રૂપને અનિમેષ દૃષ્ટિએ નિરંતર નીરખવાથી જે અનેરો આનંદ પ્રાપ્ત થાય છે તેવો આનંદ અન્ય કોઈ પણ સ્વરૂપને નીરખવાથી થતો નથી. એટલે કે અન્ય સર્વ સ્વરૂપો લવણસમુદ્રના ખારા જળ જેવાં છે. આનું કારણ જ્યાં કોઈ પણ પ્રકારનો રાગ છે ત્યાં વિલાસ અને વિકારભાવો મુખ પર દેખાયા વગર રહેતા નથી અને જ્યાં આવા વિકારભાવો દેખાય છે ત્યાંથી મીઠાશ ચાલી જાય છે અને ખારાશ આવે છે. અને જ્યાં વિતરાગતા છે, શાંતિ છે, પવિત્રતા છે ત્યાં અનન્યતા પ્રગટે છે. ક્ષીરસમુદ્રના જળમાં દૂધ જેવી મીઠાશ છે. અને એ મીઠાશને ચાખ્યા પછી ખારાશ કોણ ચાખે ? તેથી જ હે પ્રભુ! આપના દર્શન સિવાય અન્ય દર્શનથી હવે સંતોષ થશે નહિ અને તેથી જ અન્યની ઇચ્છા હવે નથી રહી. તાત્પર્ય કે સર્વ દેવોમાં શ્રી જિનેન્દ્ર ભગવંતની મુખમુદ્રા વધારે શાંત, વીતરાગી, આભામંડળની પવિત્રતા તથા પ્રસન્નતાથી ભરપૂર, ચિત્ત હરનાર છે. તેથી નિરંતર દર્શન કરવા યોગ્ય છે. જિનેશ્વરદેવના આ પ્રકારના દર્શનને સ્તુતિમાં પણ વર્ણવાયું છે.”