________________
173
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન (૪) વૃષભ, (૫) સૂર્ય, (૬) ચંદ્ર, (૭) રત્નથી ભરેલો સમુદ્ર (૮) અષ્ટ મંગળ દ્રવ્યો સહિત દેવોને જોયા. તુરત જ તેઓએ શૈયાનો ત્યાગ કર્યો. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી પાછલી રાત્રી ધર્મધ્યાનમાં વ્યતીત કરી. સવારે તેઓ રાજા સોમપ્રભ સાથે પોતાને આવેલા આઠ દિવ્ય સ્વપ્નોની વાત કરતા બેઠા હતા, તેવા સમયે સમાચાર મળ્યા કે પ્રભુ મુનિપણામાં મહેલના ધોરીમાર્ગ પર ચાલ્યા આવે છે. આ સાંભળતાં જ બંને ભાઈ મહેલના દરવાજે આવી ઊભા. પ્રભુને આવેલા જોઈ અત્યંત ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા. પ્રભુનાં દર્શન કરતાં જ શ્રેયાંસકુમા૨ને જાતિસ્મરણ-જ્ઞાન થયું. પૂર્વભવમાં બે ચારણમુનિને ભક્તિપૂર્વક કરાવેલા આહારદાનનો પ્રસંગ સંસ્કૃતિપટ પર પ્રગટ થયો. શ્રેયાંસકુમારને આહારદાનનો આ પ્રસંગ યાદ આવતાં તેમણે ભક્તિપૂર્વક ભગવાનના કરપાત્રમાં ધીરે ધીરે ઇક્ષુરસ મૂકી પ્રભુને આહારદાન કર્યું. બાર માસના ઉપવાસના ભગવાને ઇક્ષુ૨સથી પારણાં કર્યાં. તે દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ, જેને અક્ષયતૃતીયા તરીકે ઓળખીએ છીએ, ત્યારથી વર્ષીતપની શરૂઆત થઈ હોય તેમ જણાય છે. શ્રેયાંસકુમાર દ્વારા કરવામાં આવેલા આહારદાનથી વર્તમાન ચોવીસીમાં દાનધર્મની શરૂઆત થઈ. આના ફળસ્વરૂપે શ્રેયાંસકુમાર તે જ ભવમાં મોક્ષે ગયા. પ્રભુનું એક વર્ષના ઉપવાસનું પારણું થતાં દેવોએ દેવદુંદુભિ નાદ કર્યો અને દિવ્ય પુષ્પોની વર્ષા કરી,
અહોરાત્ર જાગ્રત રહી મોનપણે પ્રભુ આત્મસાધના કરતા હતા. સ્વાધ્યાયમાં મગ્ન રહેતા હતા. આ કાળ દરમ્યાન પ્રભુએ ક્યારેય કોઈને બોધ આપ્યો નથી. આત્મસાધના કરતાં ચારિત્ર ગ્રહણ કર્યા ને એક હજાર વર્ષ પૂર્ણ થયાં. અનેક દેશોનો વિહાર કરતાં કરતાં પ્રભુ મુનિપણામાં ‘પુરિમતાલ’ નગરના ‘શકટ’ નામના ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનમાં તેઓ એક વૃક્ષની નીચે પૂર્વદિશાભિમુખ થઈને પથ્થરની એક શિલા પર પદ્માસનમાં બિરાજ્યા. ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાનમાં શ્રુતજ્ઞાનપૂર્વક પદાર્થના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવના ચિંતનમાં લીન થઈ ક્ષપક શ્રેણી માંડી. મોહનીય કર્મનો ક્ષય કરી બારમા ગુણસ્થાને સ્થિર થયા. ત્યારબાદ બાકી રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાયકર્મ એ ત્રણે ઘાતીકર્મનો ક્ષય કરી સંયોગીકેવળી નામના તેરમા ગુણસ્થાને સ્થિર થયા. ત્યાં પ્રભુને અનંતા પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું. આમ પ્રભુ મુનિરાજ મટીને સર્વજ્ઞ વીતરાગ ભગવાન થયા. પ્રભુને કેવળજ્ઞાન મહા વદ-૧૧ના દિવસે પ્રગટ થયું.
ભરત મહારાજાને પ્રભુના કેવળજ્ઞાનના સમાચાર પ્રાપ્ત થતાં તેઓ સર્વજ્ઞ વીતરાગ ભગવાનના દર્શનાર્થે શકટ ઉદ્યાનમાં આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી. અત્યંત ભક્તિભાવપૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. સૌધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું. ત્યાં પ્રભુના કેવળજ્ઞાનની જાણ થતાં ત્યાં જ રહી ઇન્દ્રાસનથી નીચે ઊતરી પ્રભુને અત્યંત ભક્તિ સહિત ‘ણમો અરિહંતાણં’ કહી પ્રણામ કર્યાં. પછી દેવ-દેવીઓ સાથે આવી પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો હર્ષોલ્લાસપૂર્વક ઉત્સવ મનાવ્યો. પ્રભુની ધર્મોપદેશના માટે અદ્ભુત સમવસરણની રચના કરી. પ્રભુ સમવસરણમાં બિરાજમાન થયાં ત્યારે ભરત ચક્રવર્તી રાજાએ પ્રભુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી :
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां पंदा तद्गुणलब्धये ।।