SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦) અશુભ દિનોમાં પરમકૃપાળુદેવની સાચા ભાવે ભક્તિ કરી, દૃઢ શ્રદ્ધા રાખે બધાં વિઘ્ન આપોઆપ દૂર થઈ જશે. આત્મામાં આર્તધ્યાન ન થાય એમ કર્તવ્ય છેજી. “સોડ પ્રમાણે સાથરો.” એમ કહેવાય છે તેમ પૂણિયા શ્રાવકની પેઠે થોડી કમાણી હોય તો થોડા ખર્ચમાં નભાવી, ભક્તિ ભૂલવી નહીં. એ જ કર્તવ્ય છેજી. જ્યાં-ત્યાં દહાડા કાઢવાના છે. સાચું શરણ મળ્યા પછી કોઈ પણ કારણે આત્માને ક્લેશિત કરવો ઘટતો નથી. બધા દિવસ આવા ને આવા રહેવાના નથી. આટલાં પાછલાં વર્ષો જો એ પરમકૃપાળુદેવને શરણે જાય તો પછી જીવને અપાર આનંદનાં કારણો મળી આવશેજી. (બી-૩, પૃ.૭૯૨, આંક ૧૦૧૩) D આપનો પત્ર વાંચી સમાચાર જાણ્યા છેજી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે, તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. જેને સત્સંગનો યોગ આ ભવમાં થયો હોય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિમાં પ્રેમ જાગ્યો હોય, તેવા જીવે એક પ્રકારે અંતરમાં ઊંડી શાંતિ રાખવી ઘટે છે કે મારા આત્માનું કલ્યાણ થાય અને મારા આત્માની રક્ષા કરે તેવો ધિંગ ધણી, આ ભવમાં ભક્તિ કરવા યોગ્ય પરમાત્મસ્વરૂપ સાચો પતિ મને મળ્યો છે. આ દેહનું તો, પુણ્ય કે પાપ પૂર્વે બાંધ્યાં છે તેને અનુસાર, થવું હોય તેમ થાઓ, પણ મારા આત્માને તેથી ક્લેશિત કરવો ઘટતો નથી; પણ મારે મારા આત્માનો ઉદ્ધાર કરનારની શોધ કરવાની તો રહી નથી, પણ તેની આજ્ઞા ઉઠાવવાની દાઝ વધે અને સંસારની ફિકર કરતાં આત્માની કાળજી અનંતગણી રાખવાની છે, એ વાત મારા હૃયમાં ઘર કરે તેવી સમજણની જરૂર છે. તે પરમકૃપાળુદેવની ભક્તિથી અને તેના યોગબળે બની આવશે, તેટલી શ્રદ્ધા રાખી, બને તેટલી ભક્તિ ભાવપૂર્વક કરતા રહેવા વિનંતી છેજી. વખત વધારે ન મળે તેને માટે ખેદ કર્તવ્ય નથી, કે અહીં આવી ન શકાય તેવી પરાધીનતાને માટે પણ બહુ ચિંતા કરવા યોગ્ય નથી; પણ જેટલો વખત ભક્તિમાં ગાળવાનો લાગ મળે તેટલો વખત એકનિષ્ઠા અને ઉલ્લાસમાં જાય તેમ કરતા રહેવા વિનંતી છે. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) D પરમકૃપાળુદેવની દેહોત્સર્ગ તિથિ ચૈત્ર વદ પાંચમે, તે પરમ ઉપકારી, આપણા અનન્ય આશ્રય પરમપુરુષના વિયોગની સ્મૃતિરૂપ, તે દિવસે બધા ઉપવાસ કરશે અને તે પુરુષનાં વિરહનાં આલોચનાદિ પદ સંગ્રહમાંના પદ વગેરેથી ભક્તિ કરશે. તેવી ભક્તિની ભાવના, દૂર રહ્યાં પણ બ્દયમાં ભાવ આણી, વારંવાર તે પરમપુરુષના આશ્રયનું બળ વર્ધમાન કરતા રહેવા યોગ્ય છે. પરમકૃપાળુદેવની ભક્તિ એકનિષ્ઠાથી થાય તો જરૂર આ જીવનું કલ્યાણ થાય, કારણ કે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી કહેતા કે અમે વીમો ઉતારીએ છીએ. પરમકૃપાળુદેવની ભક્તિ કરે અને તેનું કલ્યાણ ન થાય તો અમે જવાબદાર છીએ. આવી જોખમદારી લેવી એ ભારે કામ છે; પણ સાચી વાત છે એટલે બેધડક કહીએ છીએ, એમ ભરી સભામાં તેઓશ્રી કહેતા હતા. આપણે તો તેનો વિશ્વાસ રાખી, પરમકૃપાળુદેવના ચરણમાં માથું મૂકી, તેણે કહ્યા પ્રમાણે વૈરાગ્ય-ઉપશમ વધારી, તેને પગલે-પગલે ચાલી, મોક્ષે જ જવું છે, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે. (બો-૩, પૃ.૧૮૫, આંક ૧૮૯)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy