SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આવો મનુષ્યભવ ઉત્તમ મળ્યો છે. ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, સત્પુરુષનો યોગ, તેની આજ્ઞા અને ધર્મ માન્ય થયેલ છે. હવે તો જે બાંધેલાં છે તે કર્મ સમભાવે ભોગવી, ઇષ્ટ-અનિષ્ટભાવ ન જાગે, કોઇ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ ન થાય, દયાભાવ વધે અને સર્વનું ભલું થાઓ એવાં પરિણામે, બાંધેલાં કર્મ ભોગવી લેવાં. આપણું ધાર્યું જગતમાં કાંઇ થતું નથી. ‘જીવ તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.'' એમ શ્રી દયારામ ભક્તકવિ ગાઇ ગયા છે, તે લક્ષમાં લેશો. ‘‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.'' એમ શ્રી નરસિંહ મહેતાએ પણ ગાયું છે. આનંદમાં રહી સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશોજી. (બો-૩, પૃ.૬૯૨, આંક ૮૩૨) D કર્મના સંયોગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઇ કાર્ય થઇ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી, મમતા મૂકતા રહેવાનો અભ્યાસ, નિરંતર મારે-તમારે કર્તવ્ય છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો પ્રથમ સમાગમ થયા પછી એટલો બધો તેમના પ્રત્યે પ્રેમ ઢળી ગયો કે તેમના વિના ક્યાંય ગોઠતું નહીં. અમદાવાદ તેઓશ્રી સેનેટોરિયમમાં રહેતા ત્યાં વારંવાર જતો ત્યારે તેઓશ્રીએ એક દોહરો મને લખાવ્યો હતો. તેમાં બહુ મર્મ રહેલો છેજી. તે નીચે પ્રમાણે છે : ‘જો જો પુદ્ગલફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસેં, કર્મ બંધ-ક્ષય હોય.'' ઘણું આશ્વાસન, શાંતિ અને ધીરજ, બળ તેથી મળે તેમ હોવાથી આપને વિચારવાને લખ્યો છે, તો અવકાશે વિચા૨ી જેટલો રસ લૂંટાય તેટલો લૂંટતા રહેશોજી. આખી જીંદગી ચાલે - ભવ ભમવાનું હશે ત્યાં સુધી ચાલે, તેટલું બધું અને નિકટ લાવી મૂકે, તેવું ભાથું તેમાં ભર્યું છેજી. (બો-૩, પૃ.૨૧૭, આંક ૨૧૪) ભવિષ્યની ચિંતાઓ કરી મૂંઝાવા જેવું કશું નથી. જે થાય તે જોયા કરવું. જગતમાં આપણું કશું નથી. થોડા દિવસ માટે આ મનુષ્યભવમાં આવવું થયું છે, તે કાળ પૂરો થયે અહીંથી ચાલી જવાનું નક્કી છે. પૂર્વે બાંધેલાં શુભાશુભ કર્મ ભોગવવા માટે જ આ દેહ પ્રાપ્ત થયો છે; તે જેવાં બાંધ્યાં હશે તેવાં યથા-અવસરે દેખાશે. જેમ કોર્ટીમાં ઘઉં નાખ્યા હોય તો કાઢે ત્યારે ઘઉં નીકળે, ડાંગર નાખી હોય તો ડાંગર નીકળે અને કોદરા નાખ્યા હોય તો ઘઉં નીકળે નહીં; તેમ કર્મ જેવાં-જેવાં ઉદયમાં આવે તે સમભાવે, મૂંઝાયા સિવાય જોયા કરવાં; તેમાં આસક્તિ થાય તો નવાં કર્મ, જે અત્યારે નથી ગમતાં તેવાં, બંધાવાનું કારણ છે. માટે બને તેટલી જાગૃતિ રાખી, સત્પુરુષનાં વચનોમાં ચિત્ત તલ્લીન કરવાનો અભ્યાસ કરશો તો સમભાવે રહેવા યોગ્ય જાગૃતિ આવતી જશે. શરૂઆતમાં તો સત્પુરુષે આપેલી શિખામણ ખરે વખતે યાદ નથી રહેતી, ભૂલી જવાય છે, બીજામાં તલ્લીન થઇ જવાય છે; પણ પછી યાદ આવે કે રાગ-દ્વેષ નહોતા કરવા અને થઇ ગયા પણ હવે નહીં થવા દઉં. આમ વારંવાર ભૂલો કરતાં-કરતાં પણ, બાળક જેમ પડતાં-આખડતાં ચાલતાં શીખી જાય છે અને દોડી પણ શકે છે; તેમ જે શિખામણ પ્રથમ નહોતી સાંભરતી અને પાછળ પશ્ચાત્તાપ કરાવતી તે અણીને વખતે સાંભરે તેવો વખત કાળજી રાખી ચેતતા રહેનારને બને છે. પછી તો તેવા પ્રસંગો આવતા પહેલાં ચેતતા રહેવાની ચેતવણી મળતી રહે છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy