SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૫) સુખ, આનંદ અને ભક્તિનો ઉલ્લાસ તુર્ત જ વર્તમાનમાં અનુભવાય અને પરભવ પણ સુધરે તથા મોક્ષમાર્ગે સુખ-સુખે આગળ વધાય એવું સત્સાધનનું આરાધન, નિશ્ચય કરી, કરીએ તો બની શકે એવું છે. માટે બીજાં કામ કરતાં પણ આત્માની દયા ન વિસરાય, લખચોરાસીના ફેરા ફરતાં દુ:ખી થઇ રહેલો આત્મા, આ મનુષ્યભવમાં બિચારો થાક ખાવા આવ્યો, ત્યાં તો હજારો ફિકરો અને ક્લેશની હોળીમાં તેને ઘાંચીના બળદની પેઠે આંખોએ પાટા બાંધી હોમી દીધો. હવે તેની દયા ખાવા જેવું છે. આ ભવમાં ધર્મ-આરાધન થયું હશે તો જીવને સુખ શોધવું નહીં પડે, એની મેળે મળી રહેશે. માટે સ્મરણ રાતદિવસ કર્યા કરવાની અને પરમકૃપાળુદેવનો આશ્રય વૃઢ થાય, તેવી ભાવના ચાલુ રાખવાની ટેવ પાડશોજી. (બી-૩, પૃ.૪૪૫, આંક ૪૬૪) D “પાઘડીને છેડે કસબ' એવી કહેવત છે; તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે મહા દુર્લભ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી, તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી, ઉડાડી દે છે. તેમ ન બને માટે પરમકૃપાળુદેવે પ્રથમ જ, પુષ્પમાળા-૬૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.' વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં, મનુષ્યભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહાર્થે ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું, સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળનો વેપાર, દરરોજ આ ભવમાં મનુષ્યને કરવાનો છે, તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે, એમ જેને સમજાયું હોય, તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે ? લાખો રૂપિયા, વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે; તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળવો જોઇએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયો અને કેમ હવે તેનો દુરુપયોગ ઘટાડવો, તેની ચિંતવનામાં તેને તુચ્છ ઈન્દ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે ? કેમ આ ઈન્દ્રજાળ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે? વ્યસનને વશ થયેલો કોઇ નગરશેઠનો દીકરો, જુગાર આદિ ગુનામાં પકડાયો હોય અને પોલીસના હાથમાંથી છૂટી શકે તેમ ન હોય, તેને બાંધીને કચેરીમાં લઈ જતાં જેવી શરમ આવે અને પોતાના બાપનું નામ વગોવાય છે, એમ જેને લાગે છે તથા વિચાર કરે છે કે અહો, મારે ત્યાં લાખો રૂપિયા છતાં આવી ભિખારી જેવી મારી દશા મને છાજતી નથી; તેમ વિચારણા જેને જાગી છે, પોતાનું ભાન જેને થયું છે, તેવો સદ્ગુરુનો કૃપાપાત્ર શિષ્ય, એ જ વિમાસણમાં રહે છે કે અહો, મારું શુદ્ધસ્વરૂપ તો પરમકૃપાળુ પરમાત્માએ જણાવ્યું છે તેવું કેવળજ્ઞાન, કેવળદર્શન, લાયક સમ્યક્ત્વ આદિ અક્ષય અનંત ગુણોવાળું છતાં મારી કેવી મૂર્ખાઈ કે ભિખારીની પેઠે પાંચ ઇન્દ્રિયોને વશ થઇ, અનેક જન્મમરણનાં મૂળ સમાન મિથ્યાત્વની કચેરી તરફ તણાયો જાઉં છું?
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy