SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૩) જીવરક્ષા પ્રશ્નઃ સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તો દોષ છે, તો આપણે કેમ હાર ચઢાવાય છે? ઉત્તર : “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ધર્મ જે દયા, તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દુભાય ત્યાં પાપ કહ્યું છે, તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઇ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારનો ઉદ્દેશ ભક્તિ કરવાનો છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે; એટલે પુષ્પ કે લીલોતરી જે આહાર કે મોજશોખ અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી; પણ જેને લીલોતરીનો ત્યાગ નથી, શાક વગેરેમાં ફલેવર, કોબી વગેરે વાપરે છે, અંબોડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જીવો સૂએ છે, તેવા જીવોને પોતાના મોજશોખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફૂલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અલ્પ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષેધી નથી, ના પાડી નથી. પાપ માત્રનો ત્યાગ કરવાનો ભગવાનનો ઉપદેશ છે છતાં આપણે રાંધવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે; તેમાં ઘણું પાપ તો થાય છે અને તે તો ધર્મનાં કામ નથી, દેહનાં કામ છે છતાં તે પાપ ઓછાં કરવાનું મન થતું નથી અને ભગવાનને ફૂલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુળસંસ્કાર ટૂંઢિયાના હોવાથી થાય છે. તેનો ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટક્યા કરે, તેથી પૂછયું તે સારું કર્યું છે. સાધુને વાંદવા ઢુંઢિયા જાય છે, ત્યાં સુધી જવામાં ઘણાં જંતુઓ મરે છે કારણ કે સાધુની પેઠે જીવ બચાવીને શ્રાવકો વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મોક્ષમાર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી, વિશેષ લાભની પ્રાપ્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય? તોપણ સાધુઓ તેનો ઉપયોગ કરે તે પુણ્યકારક છે એમ ગણીને મકાન બંધાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંધાવે. તેમ લીલોતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડે પાણીએ ન કરે. તેવી જ પદ્ધતિ પુષ્પ-પૂજાની છે. સાધુઓ કાચા પાણીને અડતા પણ નથી, પણ નદી ઊતરવાનો પ્રસંગ આવે ત્યારે પાપનું કારણ છે છતાં વિશેષ લાભને કારણે સાધુઓને નદી પગે ચાલીને ઓળંગવાની ભગવાને આજ્ઞા આપી છે. જેથી આપણા આત્માનું હિત વિશેષ થતું હોય ત્યાં અલ્પ દોષો થવાનો સંભવ હોય ત્યાં પણ કાળજીપૂર્વક દયાભાવ દિલમાં રાખી પ્રવર્તવાનું ભગવાને કહ્યું છે. (બી-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭) “સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.''
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy