SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ એક વાત સમજી રાખવાની જરૂર છે કે આપણી આશાઓ અનુસાર ફળ પ્રાપ્ત થતાં નથી. વાંચન વગેરેથી, મોટા મુનિવરોને દુર્લભ એવા મન વશ કરવા સંબંધી કે બ્રહ્મચર્ય કે આત્માના ઓળખાણ સંબંધી અભિલાષાઓના કિલ્લા રચીએ છીએ. તેની પ્રાપ્તિને માટે કેવા પુરુષાર્થની જરૂર છે તેનો આપણને ખ્યાલ નથી, તેના ક્રમનું ભાન પણ નથી; છતાં એ અભિલાષાઓ એકદમ ફળે એવી અધીરજ તો ભરેલી જ હોય છે. આ લખ્યું છે તે ધ્યેય બહુ દૂર છે, એમ જ બતાવવા લખ્યું નથી; પણ કાર્ય-કારણને સંબંધ છે તે મેળ ખાય તેવી વિચારણા થવા લખ્યું છે. હવે તમે સામાન્ય ભક્તિભરપૂર પત્રમાં બ્રહ્મચર્યની માગણી કરી છે, તે યોગ્ય છે. તેની જ મારે-તમારે-બધાને જરૂ૨ છે. તેને માટે પુરુષાર્થ કરવા પરમ ઉપકારી પરમકૃપાળુદેવે કહેલું છે, તે આપણે આદરીએ અને નિરાશ ન થઇએ એમ ઇચ્છું છું. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૬) પૂ. ...ને એક વર્ષના બ્રહ્મચર્યવ્રતની ભાવના છે એમ લખ્યું, તે જાણ્યું છેજી. તેમને પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ હાથ જોડી ભાવના કરવાનું કહેશો કે, ‘હે ભગવાન ! બાર માસપર્યંત એટલે આવતી દિવાળી સુધી મારા આત્માના હિતને માટે બ્રહ્મચર્ય હું પાળીશ – કાયાએ કરી નિયમ નહીં તોડું.’ એમ ભાવવ્રત લેવા જણાવ્યું છે, એમ જણાવશોજી. (બો-૩, પૃ.૨૨૦, આંક ૨૧૮) D તમારું કાર્ડ મળ્યું હતું. છ માસ સુધી, બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઇ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તો તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. (બો-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) D તમે બ્રહ્મચર્ય સંબંધી છ માસ માટે અનુજ્ઞાનું લખ્યું, તે સંબંધી મારી અનુમોદના છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે બંને - પતિપત્ની, પવિત્રભાવે, મોક્ષ થવાની ભાવનાએ છ માસ સુધી મૈથુનત્યાગરૂપ વ્રતની, નમસ્કાર કરી ભાવના કરી લેશોજી. આ વ્રતના અભાવે આ કાળમાં ઘણા રોગોની ઉત્પત્તિનો સંભવ સમજાય છેજી. કોઇ વિચારવાન વૈદ્ય તમને મળ્યો લાગે છે. ભાવતું હતું અને વૈદે કહ્યું એમ જાણી, ધર્મ-આરાધન અર્થે એટલે આત્માર્થે આ વ્રત પાળું છું, દેહને માટે નહીં, એટલી ભાવના, જે તમારા અંતરમાં છે તે, જો સબળ રહેશે તો આ વ્યાધિએ તમને લાભ કર્યો, એમ સમજવા યોગ્ય છેજી. વ્રત લીધા પછી પ્રાણાંતે પણ તૂટે નહીં એટલી દૃઢતા બંનેએ અત્યારથી મનમાં, ગાંઠ વાળી દે તેમ, ઊંડી ઉતારી દેવી. રોગ તો કાલે મટી જાય પણ છ માસ સુધી બ્રહ્મચર્ય તો જરૂર પાળવું છે, એવી ઉત્કટ ઇચ્છા બંનેની હોય, તો જ વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. તેવી દૃઢતા ટકે તેમ ન લાગતું હોય તો વગર વ્રત લીધે પળાય તેટલો કાળ પાળવાનું નક્કી કરવું. વ્રત લીધાથી જે બળ મળે છે તેના કરતાં, વ્રત તોડવાથી જીવને વિશેષ બંધન થાય છે, માટે વિચારીને વર્તવા લખ્યું છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy