SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ આરાધન કર્યું નથી, ખરો આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય તો-તો હું આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે મારે આ ભવમાં આદરવો છે, એમ લાગે. પોતા સંબંધી ભૂલ ચાલી આવી છે, તેથી ‘હું દેહ છું, હું મરી જઇશ, હું શું કરું ? શું ભોગવું ? મોક્ષ થાય તેમ નથી. મોક્ષનો ઉપાય શું હશે ?' એમ રહ્યા કરે છે, તેથી સત્પુરુષાર્થ થતો નથી. તે ભૂલને લઇને બીજાને પણ ‘આ મારો ભાઇ છે, તે મરી ગયો, તે શું કરશે ? શું ભોગવતો હશે ? તેનો મોક્ષ નથી, તેનો હવે કોઇ ઉપાય નથી.' વગેરે કલ્પનાઓ કરે છે; પણ ખરી રીતે વિચારીએ તો, તે હતો ત્યારે તેણે શું તમારું હિત કર્યું, તે વધારે જીવત તો તમારું શું ભલું કરત ? માત્ર, જીવે તેને નિમિત્તે, પોતે મોહ પોષ્યો છે અને તેને પણ મોહના કારણરૂપ પોતે થયેલ છે. આમ જીવ પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બંનેનું માઠું કરવામાં જીવે મણા રાખી નથી. જગતમાં કોઇ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સત્પુરુષો, નિષ્કારણ કરુણા કરનાર, જગતના સાચા મિત્ર, સાચા ભાઇ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. દૃષ્ટિ ફેરવવાની છે એટલું પણ, આટલા ઉપરથી સમજાશે તોપણ ઘણું છે. જે કરવું છે, તેને માટે પુરુષાર્થ ક૨વો ઘટે. જે આખરે આપણને રોવડાવે, તેના તરફથી વૃત્તિ હઠાવી, આપણા ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૮૮, આંક ૬૬૭) જે સદ્ગુરુરૂપ તરવાની હોડી છે, તેમાંથી સંસારસાગરમાં કૂદી પડવા માટે દર્શનમોહ નામના કર્મની પ્રેરણા હોય છે; તેની શિખામણને અનુસરનાર અનેક જીવો વિનાશને વર્યા છે. સત્તાધન કે સતશિક્ષા જે ચૂકતા નથી, તેનો વાંકો વાળ કરવા કોઇ જગતમાં સમર્થ નથી; પણ તે મૂકીને, જે દોઢડાહ્યા જીવો, પોતાની ઢેડી જેવી તુચ્છ બુદ્ધિની સલાહ માને છે, તેના કેવા હાલ થાય છે, તે ઉપર એક કથા છે. તેનો બધા મળી વિચાર કરશો એમ ભલામણ છે. ‘એક ધનાઢય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા, ત્યારે વેપાર કરી, સ્વાવલંબનથી ધન કમાઇ, આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં, માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી, હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઇ જઇ, વેંચી, ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. એક બેટ ઉપર બંને આવી ચઢયા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બંનેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી, વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસે ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડયું; એટલે તે બંને ભાઇઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે; પણ તમને અહીં કોઇ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું, એમ કહી તે કામે ચાલી ગઇ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy