SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૧) એક જ્ઞાનીએ જાણેલો શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય, માનવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય છે; બીજું બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ઠગાવા જેવું નથી, ભુલાવો ખાવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૪) | આપણું ધાર્યું કંઈ બનતું નથી તેમ છતાં ઉત્તમ ભાવના રાખ્યા કરવી યોગ્ય છે.જી. અત્યારે જે બની રહ્યું છે તે આપણી પૂર્વની ભાવનાનું ફળ છે. તે શુભાશુભભાવનાં બીજ પરિપક્વ બની ફળ આપી રહ્યાં છે તે તો ભોગવ્યા વિના છૂટકો નથી. આમંત્રણ જેને આપ્યું હોય, તેને સત્કારપૂર્વક જમાડી વિદાય કરવા યોગ્ય છે. આ દુર્લભ મનુષ્યભવમાં સદ્ગુરુનો જે જીવોને યોગ થયો છે, પ્રભુભક્તિ જેના હૃદયમાં પ્રગટી છે તેવા જીવોએ પૂર્વકર્મ ભોગવતાં કાયર નહીં બનતાં શૂરવીર બની, જે શુભાશુભ કર્મફળ આવે તે ધીરજ, સમતા ધરી, પ્રભુપ્રસાદી ગણી પ્રસન્નતાપૂર્વક સહન કરી લેવાં; પણ તેમાં આસક્તિ કે અણગમો ન થાય તેટલી સમજણ ટકાવી રાખવી ઘટે છેજી. બહુ આકરાં કર્મ આવ્યાં છે; હું હેરાન થાઉં છું, દુઃખી છું, ક્યારે આથી છૂટીશ ? એવા ભાવને આર્તધ્યાન કહે છે. તેથી પાછાં તેવાં જ કર્મ બંધાવાનો સંભવ છે. તે વખતે આયુષ્ય બંધાય તો ઢોર-પશુ-પંખીનું બંધાય. માટે જવા માટે જ કર્મ આવ્યાં છે ગણી, આપણો બોજો હલકો થાય છે તેમ માની, આવેલાં કર્મ પ્રભુસ્મરણપૂર્વક શૂરવીરપણે ભોગવી લેવાં. ભોગવાઈ ગયેલાં પાછાં આવનાર નથી. આથી બમણાં કર્મ ઉદયમાં આવે તોપણ હિંમત હારવી નથી. તે બધાં નાશવંત છે. આજ સુધીમાં કેટલાંય આવ્યાં અને ગયાં. તેથી ગભરાવા જેવું નથી. આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત છે. તેનો વાંકો વાળ થનાર નથી. સદ્ગુરુકૃપાથી જે મંત્ર મળ્યો છે, તેમાં વૃત્તિ રાખી ખમી ખૂંદવાનો અભ્યાસ પાડી દેવાથી સમાધિમરણની તૈયારી થાય છે. (બો-૩, પૃ.૫૬૩, આંક ૬૩૧) | મુખ્ય વાત તો પ્રારબ્ધાધીન જવા-આવવાનું બને છે. કહેવાય છે કે “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ? દાણેદાણા ઉપરે ખાનારાનું નામ.” અથવા અન્નજળના જ્યાંના સંસ્કાર હોય ત્યાં કર્મ તેને ખેંચી જાય છે અથવા ત્યાં જ જવાની તેની બુદ્ધિ થાય છે. થોડા દિવસ ઉપર અહીંથી કાસોર ગામે ત્યાંના એક ભાઇની વિનંતીથી ઘણાં ભાઇબહેનો ભક્તિ અર્થે ગયેલાં; તેમાં એક ધૂળિયા તરફના દક્ષિણી ગૃહસ્થ, સમાગમ અર્થે આશ્રમમાં આવેલા છે, તેમનાં પત્ની સહિત કાસોર આવેલા. પાછા આવતાં સુણાવ રાત રહ્યા, ત્યાં તેમનાં પત્નીને એક કૂતરું કરડી ગયું. જો વિચારીએ તો જે ગુજરાતી ભાષા બોલી કે સમજી શકે નહીં તેને અહીં આવવાનું બને, તે વળી ગામડામાં જવાનું અને જ્યાં નહીં ધારેલું તે ગામમાં રાત રહેવાનું બને અને કૂતરાને તેને જ કરડવાનું બન્યું, એ પૂર્વના સંસ્કાર સૂચવે છે. તેવી જ વિચિત્ર ઘટનાઓ અનેક બને છે, મુશ્કેલીઓ આવે છે, તે પૂર્વકર્મ સાબિત કરે છે. જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે પરમકૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે, તે ચૂકવા જેવું નથી. (બી-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy