SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે, તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઇક ૨સ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી, જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું, એ જ હિતકારી છે. ન માને તો મનને હઠ કરી, ક્રમમાં જોડવું હિતકર છે. રાગ-દ્વેષથી ક્લેશિત થતાં પરિણામ ઘટે અને જ્ઞાનીનો માર્ગ રાગ, દ્વેષ અને અજ્ઞાન ટાળવાનો છે, તેની રુચિ દિવસે-દિવસે વધે, તેમ પોતે જ, પોતાની પ્રવૃત્તિ ક્રમે-ક્રમે લાવી મૂકવાની છેજી. કોઇનું કહેલું માત્ર દિગ્દર્શન પૂરતું હોય, પણ વિગતવાર વર્ણન પોતાનું પોતે કરવાનું હોય છે. માટે માત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન ટાળવાની પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે દરેક કાર્યની પ્રવૃત્તિમાં લક્ષ ૨હે, તેમ જાગ્રત થવું, જાગ્રત રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૮૦) D પ્રભુશ્રીજી કહેતા કે જે કંઇ કરવું તે આત્માર્થે કરવું. આત્માને ભૂલ્યો તો બધું નકામું જાય. લોકોને દેખાડવા કરે તે કંઇ કામનું નથી. તેઓશ્રી દૃષ્ટાંત આપતા કે દૂધ મેળવવું હોય તો અંદર મેળવણ નાખે તો દહીં થાય. એમ ને એમ તો દૂધ બગડી જાય. તેમ જે કંઇ કરવું તેમાં ‘આત્માર્થે કરવું છે.' એ મેળવણ નાખવું, તો કામ બગડે નહીં. (બો-૧, પૃ.૨૮૩, આંક ૨૪) હાલ તમે નડિયાદ રહો છો. તેથી તમારાં માતુશ્રી આદિને સંતોષ રહેતો હોય તો ત્યાંના જ સારા ગણાતા વૈદ્યની દવા લીધા કરવી. પ્રારબ્ધ હશે તેમ સુખદુઃખ જે કર્મનાં ફળ છે, તે આવ્યા કરશે એમ માની, મુખ્ય કાર્ય આત્મહિત કરવાનું છે, તે થતું હોય તો અમદાવાદ વગેરેની પ્રવૃત્તિ પણ ઠીક લાગતી નથી. પછી જેમ સંજોગોવશાત્ કરવું પડે, તે કરી છૂટવું; તેમાં મુખ્ય લક્ષ રાખવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૪૦૭, આંક ૪૧૪) D તમે રિટાયર થવાના અને સત્સંગની આરાધના કરવાના સમાચાર લખો છો, તે જાણી સંતોષ થયો છેજી. જીવને પૈસાથી સુખ નથી થતું, પણ સંતોષથી થાય છે. જેને આજીવિકા સંબંધી ચિંતા કરવા જેવી દશા ન હોય, તેણે આ મનુષ્યભવની દરેક ક્ષણને ચિંતામણિ રત્નથી અધિક કીમતી જાણી, આત્મહિત અર્થે ગાળવા યોગ્ય છેજી. સુંદરદાસ કવિ મહાત્મા લખે છે : सुंदर चिंता मत कर, तू कर ब्रह्मविचार । शरीर सोंप प्रारब्धकूं, ज्युं लोहा कूटे लूहार || આવી જોગવાઇ, પરમાર્થ પ્રાપ્ત કરવાની, ફરી-ફરી મળવી મુશ્કેલ છે, તેથી જીવે હવે તો બીજી વાતો ગૌણ કરી, એક આત્મકલ્યાણની મુખ્યતા કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૨, આંક ૭૨૩) — સગાંવહાલાં કર્મના સંયોગે મળી આવે છે, ૠણસંબંધ પૂરો થતાં ચાલ્યા જાય છે. સંયોગે હર્ષ, વિયોગે ખેદ એ બંને ક્લેશરૂપ છે. એકે ભાવ આત્માને હિતકારી નથી. તેમ જ ભવિષ્યની ચિંતા, છોકરાં-છૈયાંના વિચાર એ સર્વ પ્રારબ્ધાનુસાર બને છે. તેમાં ન જોઇતી ચિંતા કરવી, તે આત્મહિત ભૂલી, નવાં કર્મ બાંધવાનું કારણ થાય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy