SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૧) ઘર્મના (પુણ્યના) પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણા રાજાઓનો તે ઉપરી થયો. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા; તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું. તીર્થકર નામકર્મ બાંધ્યું, જેના પ્રભાવે એક ભવ કરી તે તીર્થકર બની, ઘણા જીવોને તારી, પોતે મોક્ષ જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. હવે તમારા પ્રશ્નનો ઉત્તર લખું છું : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળO'' આમાં જણાવ્યા પ્રમાણે દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. ગમે તેટલી દવાઓ ખાવા છતાં ડોક્ટરને પોતાને જ મરવું પડે છે, તો બીજાને તે ક્યાંથી બચાવી શકશે ? દેહ છોડી એક વાર જરૂર જવું છે. તે દેહ રાખવા કરેલાં પાપ સાથે આવશે, પણ દેહ સાથે નહીં આવે. ભક્તિ કરનારને એટલી શ્રદ્ધા હોવી જોઇએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઇચ્છા કરવા કરતાં, પાપ જ ન કરવું એ સારું છે. પાપ કરી પછી પૈસા કમાઈ દાન કરવું તેના કરતાં દાન ન થાય તો ભલે, પણ પાપ તો ન જ કરવું, એ બુદ્ધિમાં બેસે તેવું છે. હાથ ખરડીને પછી ધોવો, તેના કરતાં બગાડવો જ નહીં, તે સારું છેને? પીપા ભગતે કહ્યું છે કે : “પીપા, પાપ ન કીજિયે, તો પુણ્ય કિયા વાર હજાર.'' ડોક્ટરો દેહને અર્થે સલાહ આપે છે કારણ કે દેહ એ જ પોતાનું સ્વરૂપ, તે માને છે. તમે આત્માનો ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધો છે, તેથી દેહને અર્થે આત્માનું અહિત ન થાય તેમ વર્તવું ઘટે છે. ઘણા ભવ દેહને અર્થે આત્મા ગાવ્યો છે, હવે આટલો ભવ જો આત્માને અર્થે ગળાશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. પૂર્વે પાપ કર્યું છે તેના ફળરૂપ માંદગી આવે છે. તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તો ફરી માંદગીને નોતરવા જેવો ધંધો થાય છે, તે વિચાર કરી જોશો તો યથાર્થ લાગશે. પાપવાળી દવાથી મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ પાપ થાય તે તો ચોક્કસ છે, દવામાં પણ પાપ તે પાપ જ છે. માટે જે વસ્તુનો ત્યાગ કર્યો છે, પરમકૃપાળુદેવની સાક્ષીએ જીવતાપર્યત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તો શું, સ્વપ્નમાં પણ તેનો ઉપયોગ કરવાનો ખ્યાલ ન કરવો, એ સાચા શૂરવીરનું લક્ષણ છે. ઘણી દવાઓ ખાનારા ઘણા માંદા જોઇએ છીએ, એટલે દવાઓથી જ મટતું જ હોય તો દવાખાના અને ડોક્ટરો વધે તેમ રોગ વધવા ન જોઈએ પણ નાબૂદ થવા જોઈએ, તેને બદલે વધારે-વધારે રોગોનો પ્રચાર થતો દેખાય છે, તે પાપનું પરિણામ છે એમ સમજી, બને તેટલું સહન કરતાં શીખવું. મન દ્રઢ ન હોય તો નિર્દોષ દવાઓ અજમાવી જોવી, પણ પ્રત્યક્ષ પાપ જણાય છતાં દેહને અર્થે આત્માને ગરદન મારવા જેવું તો ન જ કરવું. અજાણતાં કોઇ દવા કે ટીકડીમાં તેવું અભક્ષ્ય આવી જાય તેને માટે લાચારી છે, પણ જાણીજોઇને તેવી ટીકડી કે શીશીઓ પણ, વાપરવી ઘટતી નથી. લીધેલા નિયમ કોઈ કારણે તોડવા નથી, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે, એ જ ટૂંકમાં ઉત્તર છેજી. એક તો પાપી ચીજોમાં થતું પાપ લાગે અને પરમાત્માની સાક્ષીએ લીધેલું વ્રત કે આજ્ઞા ન પળે કે ભંગ થાય એ બીજું પાપ સાથે લાગે છે, અને તે મોટો અધર્મ છે. માટે મથાળે કડી લખી છે તે વિચારી, પ્રાણ જાય તોપણ આજ્ઞારૂપ ધર્મનો ભંગ ન થાય, તેમ મુમુક્ષુ, વિચારવાન જીવ તો વર્તે. (બી-૩, પૃ.૬૮૭, આંક ૮૨૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy