________________
૧૭૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૪) ભય મોહનીય કર્મ :
(૧) પોતે ભય પામતો, બીજાને ભય પમાડતો, (૨) બીજાને ત્રાસ આપવામાં આનંદ અનુભવનાર-મજા મેળવનાર ભય મોહનીય કર્મ બાંધે છે.
(૫) શોક મોહનીય કર્મ :
(૧) ઈષ્ટના વિયોગમાં, અનિષ્ટના સંયોગમાં હૃદયફાટ રૂદન કરનાર, બીજાને રડાવનાર, (૨) અન્યને શોકના કારણરૂપ બને તેવા સમાચાર આપવામાં પોતાની પટુતા માનનાર શોક મોહનીયકર્મ બાંધે છે.
(૬) દુર્ગછા (જુગુપ્સા) મોહનીય કર્મ
ચતુર્વિધ સંઘની નિંદા કરનાર, પૂ. સાધુ-સાધ્વીજી પ્રત્યે ધૃણા કરનાર, જુગુપ્સા મોહનીય કર્મ બાંધે છે. વેદમોહનીય ?
તેમજ પાંચે ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત મનવાળો, વિષયમાં આધિન ચિત્તવાળો વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. તેમાં પણ ત્રણ વેદમોહનીયના વિશેષ આશ્રવો આ પ્રમાણે -
(૭) સ્ત્રી વેદ મોહનીય કર્મ :
ઈષ, વિષાદ કરનાર તેમજ અતિશય વક્રતાવાળો તેમજ પરસ્ત્રીમાં આસક્ત જીવ સ્ત્રીવેદમોહનીયકર્મ બાંધે છે.
(૮) પુરુષવેદ મોહનીય કર્મ
સ્વસ્ત્રીમાં સંતોષ માનનાર, મંદ કષાયવાળો, સરલ સ્વભાવવાળો, શીલવ્રતનું પાલન કરનારો, વિષયની મંદ અભિલાષાવાળો જીવ પુરુષવેદકર્મ બાંધે છે.
(૯) નપુંસક વેદ મોહનીય કર્મ :
સ્ત્રી-પુરુષ સંબંધી કામ સેવનમાં રસવાળો, તીવ્ર કષાયી, તીવ્ર કામી, સતી-સ્ત્રીના શીલનો ભંગ કરનાર જીવ નપુંસક વેદ બાંધે છે.