________________
૧. વસ્તુમાં જાતિ કે સામાન્યનો ધર્મ ન હોવા છતાં પણ તે છે એવું વર્ણન કરવું - જેમકે, નદીઓમાં રક્તકમલ, નીલકમલ વગેરે ન હોવા છતાં આવાં કમળો ત્યાં છે તેવું નિરૂપણ કરવું; બધાં જળાશયોમાં હંસ વગેરેનું (ન હોવા છતાં) વર્ણન કરવું, દરેક પર્વતમાં સોનું, રત્નો ઇત્યાદિ ન હોવા છતાં) છે એવો ઉલ્લેખ કરવો. ૨. વસ્તુમાં દ્રવ્યરૂપી ધર્મ ન હોવા છતાં તે ધર્મ છે એવું વર્ણન કરવું - જેમ કે, અંધકાર મુઠ્ઠીમાં પકડી શકાય છે અને તે સોયથી ભેદી શકાય છે એવું વર્ણન કરવું; ચાંદની ઘડામાં ભરીને લઈ જઈ શકાય છે એવું નિરૂપણ કરવું. ૩. વસ્તુમાં ગુણરૂપી ધર્મ ન હોવા છતાં તે છે એવો ઉલ્લેખ કરવો - જેમ કે યશ (કીર્તિ), હાસ્ય વગેરેમાં સફેદપણાનું વર્ણન કરવું; અપકીર્તિ, પાપ વગેરેમાં કાળાશનું વર્ણન કરવું; તેમજ ક્રોધ અને પ્રેમમાં લાલશનું વર્ણન કરવું. ૪. વસ્તુમાં ક્રિયારૂપ ધર્મ ન હોવા છતાં તે છે એવું વર્ણન કરવું - જેમ કે ચકોર પક્ષીઓ ચાંદની પીએ છે; ચક્રવાકયુગલ રાત્રે જુદા જુદા કાંઠે આશરો લે છે એવું નિરૂપણ કરવું. આ અસત્ના ઉલ્લેખના દાખલા છે.
૩. કવિસમયગત ત્રીજો શિક્ષાપ્રકાર નિયમ કે નિયમન અંગેનો છે. તેનું હવે વિવરણ રજૂ થાય છે:
“૧. વસ્તુનો જાતિરૂપ ધર્મ બધે મોજૂદ હોવા છતાં તેને મર્યાદિત કરવા - જેમ કે, સમુદ્રોમાં જ મગર હોય છે; તામ્રપર્ણી નદીમાં જ મોતીઓ હોય છે એવો ઉલ્લેખ કરવો. ૨. એ જ રીતે વસ્તુનો દ્રવ્યરૂપ ધર્મ બધે જ હોવા છતાં તેનું એક જ સ્થળે નિયમન કરવું જેમ કે, મલય પર્વત પર જ ચંદનનું સ્થાન છે; હિમાલયમાં જ ભૂર્જવૃક્ષની ઉત્પત્તિ થાય છે એવું નિરૂપણ કરવું). ૩. ગુણ અંગે નિયમ કરવો - જેમ કે રત્નો (ગમે તે રંગનાં હોય તો પણ) લાલ રંગનાં જ વર્ણવવાં; ફૂલો સફેદ જ આલેખવાં; મેઘનો કાળો રંગ જ દર્શાવવો. ૪. ક્રિયા અંગે નિયમ કરવો - જેમ કે, ગ્રીષ્મ વગેરે ઋતુઓમાં કોયલ ટહુકે છે છતાં કોયલનો ટહુકાર વસંતઋતુમાં જ થાય છે તથા મોર કેવળ વર્ષાઋતુમાં જ ગહેકે છે ને નાચે છે એવું આલેખન કરવું. આ રીતે વસ્તુના જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયારૂપ અર્થોનું નિયમન તે નિયમ”
પણ નિયમ એટલે કવિઓનો સંકેત કે કવિરૂઢિ કે કવિપરંપરામાં પ્રચલિત માન્યતા એવો અર્થ પણ કરી શકાય - જેમ કે કાળા તથા નીલ રંગનું ઐક્ય માનવું; એ જ રીતે કાળો રંગ અને લીલો રંગ; કાળો રંગ અને શ્યામવર્ણ;