SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાક. આ જાણી આપણી વૃતિઓ સુફત તરફ પ્રયાણ કરશે. જીવન શૈલીમાં પાપથી બચવું છે. સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે. તેવા પ્રકારની વિચારસરણી ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રનું માર્ગ દર્શન અત્યંતપણે ઉપકારક છે.” વિપાક સત્રનો પરિચય આપતા ડૉ.કેતકી યોગેશ શાહ કહે છે કે, “અગિયાર અંગસૂત્રોમાં અગિયારમા સ્થાને શ્રી વિપાક સૂત્ર છે. વિપાક એટલે પુણ્ય અને પાપ કર્મોનું ફળ કથારૂપમાં તેનું પ્રતિપાદન કરનાર સૂત્ર તે વિપાક સૂત્ર છે. વિપાક એટલે શુભાશુભ કર્મ પરિણામ, પાપથી દુ:ખની પ્રાપ્તિ અને પુણ્યથી બાહ્ય સુખની પ્રાપ્તિ થાય છે. જ્યારે ધર્મથી માત્ર નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આવા ભાવોથી ભરપૂર આ વિપાક સૂત્ર છે. આ સૂત્ર ભવારણ્યમાં ભૂલા પડેલા, ભટકતા ભવ્ય પ્રાણીઓ માટે ભોમિયો છે, અજ્ઞાનના અંધારામાં અથડાતા જીવો માટે આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. મિથ્યાત્વની મૂંઝવણમાં મૂકાતા જીવો માટેની માર્ગદર્શક પત્રિકા છે. સંસારના દાવાનળમાં દાઝીને દોડતા જીવો માટે દીવાદાંડી છે, ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની સીડી છે, પરમ પદને પ્રાપ્ત કરવા માટેનું પથદર્શક પાટિયું છે, કરૂણાસાગર ભગવંતે બતાવેલો કારગત કીમિયો છે, સાધક માટે સર્વાવ્યુદય કરનાર સોનાનો સૂરજ છે. આવા ઉત્તમ લક્ષણોથી સુશોભિત વિપાક સૂત્ર સાધક આત્માઓ માટે શેય-ઉપાદેય છે." વિપાક સૂત્રના બે શ્રુતસ્કંધ છે. બંનેમાં ૧૦-૧૦ અધ્યયન છે. કુલ ૨૦ અધ્યયન છે. વર્તમાનમાં જે વિપાકસૂત્ર ઉપલબ્ધ છે તે ૧ર૧૬ શ્લોક પરિમાણ માનેલ છે. વિશ્વના દાર્શનિક ચિંતનમાં જૈનધર્મ કર્મ સિધ્ધાંતની સર્વોત્તમ ભેટ આપી છે. કર્મ સિધ્ધાંત જૈન દર્શનનો એક મુખ્ય સિધ્ધાંત છે. તે સિધ્ધાંતનું પ્રસ્તુત આગમમાં ઉદાહરણોના માધ્યમ દ્વારા સરળ રીતે પ્રતિપાદન કરેલ છે. વિપાક સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં પૂર્વ ભવની ચર્ચા છે. કોઈ વ્યક્તિ દુઃખથી આકુળ-વ્યાકુળ હોય અથવા કોઈ સુખ સાગરમાં ડૂબેલી હોય, તેને જોઈ ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે કે આમ કેમ? ત્યારે ભગવાન સમાધાન કરતાં કહે કે આ તો તેના પૂર્વ ભવનાં ફળ છે. આમ બધા જ અધ્યયનો પુનર્જન્મની પુનઃપુનઃ વાત કરીને સદાચાર અને નીતિમય જીવન જીવવાનો સંદેશ આપે છે. પ્રથમ શ્રુતસ્કંધ, દુ:ખ વિપાકમાં અન્યાય, અત્યાચાર, વેશ્યાગમન, પ્રજાપડન, લાંચ-રૂશ્વત, હિંસા, નરમેઘ યજ્ઞ, માંસ-ભક્ષણ, નિર્દયતા, ચૌર્યવૃત્તિ, કામવાસના વગેરે અધમ કૃત્યોના કારણે જીવ કેવા કેવા ઘોર કર્મ બંધ કરે છે તથા તે તે કર્મબંધ અનુસાર કેવાં કેવાં ભીષણ અને રોમાંચકારી ફળ ભોગવે છે તેનું તાદૃશ્ય વર્ણન છે.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy