SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિક રીતે જોતા એક જ પ્રકાર છે અને તે રીતે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે ‘આખ્યાન' તરીકે અને જૈન પરંપરામાં ‘રાસ’ તરીકે ઓળખાયો. ૯) ડૉ. ધીરુભાઈ ઠક્કર લખે છે કે, રાસ/રાસો એટલે ‘રાસ રમવો અને રાસ રચવો.' એમ બે ભિન્ન ક્રિયા પરત્વે ‘રાસ’ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. (અ) રાસ રમવો એટલે રાસ નામના નૃત્ય પ્રકારના સમારંભમાં ભાગ લેવો તે. (આ) ને રાસ રચવો એટલે રાસ નામનો કાવ્ય પ્રકાર રચવો તે. આમ રાસ નૃત્ય પ્રકાર છે. તેમ જ કાવ્ય પ્રકાર પણ છે. રાસ નૃત્ય શ્રીકૃષ્ણના વખતથી ગુજરાતમાં પ્રચલિત છે. સ્ત્રી-પુરુષો સાથે રાસ રમે છે. દાંડિયાના અવાજ, પગના ઠેકા સાથે ગીતનો તાલ લઈને ગોળાકારમાં ફરતાં ફરતાં ગાવું તેને રાસ રમવો એમ કહેવાય છે. આ સમૂહ નૃત્યમાં ગાઈ શકાય તેવી લલિત મધુર સુગેય કાવ્યરચના તે રાસ, એમ આજના સાહિત્ય પ્રકારને ધ્યાનમાં લેતાં કહી શકાય. આ જે સાહિત્ય પ્રકાર તરીકે ‘રાસ' શબ્દનો અર્થ માનવહૃદયની મૃદુ અને લલિત સંવેદનાને પદ્ય સ્વરૂપમાં ઉત્કટપણે ઉતારતું ઊર્મિકાવ્ય પણ કહી શકાય. ૧૦) વિદ્વાન મનસુખલાલ ઝવેરી અને વિદ્વાન રમણલાલ શાહના મત મુજબ રાસ એટલે, જ્યારે કોઈ ઉત્સવ આવે ત્યારે જૈન દેરાસરોમાં આ રાસ રમાતા અને ગવાતા. ખાસ એટલા માટે પ્રસંગને અનુલક્ષીને જૈન સાધુઓ રાસ લખી પણ આપતા. આ રાસ રમાતા અને તે પણ બે પ્રકારે (તાલા રાસ અને લકુટા રાસ) એવા સ્પષ્ટ ઉલ્લેખો રાસ-કૃતિઓમાં મળે છે. રાસ અમુક સમયમર્યાદામાં રમાતો હોવાને કારણે શરૂઆતમાં બહુ ટૂંકો લખાતો પરંતુ આ કાવ્ય પ્રકારમાં ધીમે ધીમે કથાનું તત્ત્વ વધવા લાગ્યું એટલે પાછળ જે રાસા લખાયા તે વધારે ને વધારે વિસ્તૃત અને વર્ણનાત્મક બનતા ગયા અને તેમ તેમ તેની અભિનય ક્ષમતા ઘટતી ગઈ. રાસાઓ એક જ સળંગ ઢાળ બંધમાં લખાતા નહિ પરંતુ દુહા, ચોપાઈ કે દેશીમાં લખાતા અને એના વિભાગ પાડવામાં આવતા જેને ‘ભાષા કે ‘કડવક’ એવું નામ આપવામાં આવતું. ૧૧) ડૉ. કવીનભાઈ શાહ ‘રાસ’ના લક્ષણો વિષે લખે છે કે, મંગલાચરણ, કવિનું નામ, રચના સમય, ગુરુનું નામ, દેશીઓ અને રાગોનો પ્રયોગ, ઢાળમાં વસ્તુ વિભાજન, શૃંગાર, કરુણ અને શાંતરસની ભૂમિકા, સમકાલીન દેશ અને સમાજ દર્શન, ફળશ્રુતિ વગેરેના સંયોજનથી રાસ રચનાઓ થયેલી છે. આમ ‘રાસ’ એક જૈન કાવ્ય પ્રકાર તરીકે સાહિત્ય વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડીને પોતાની અસ્મિતાનો પરિચય કરાવે છે. આમ વિવિધ વિદ્વાનોના અભ્યાસ પરથી નીચે પ્રમાણે અનુમાન કરી શકાય : પ્રારંભમાં સંસ્કૃતમાં જે રાસાનું સ્વરૂપ મળે છે તે કૃષ્ણ ગોપ-ગોપીઓ ગોળાકારે રમતાં. તેમાં સંગીત અને નૃત્યનું પ્રાધાન્ય હતું. ‘રાસ’ નૃત્યનો એક પ્રકાર હતો. આ રાસ રમનારની સંખ્યા ધીરે ધીરે વધીને ૬૪ સુધીની થઈ. કથાની દૃષ્ટિએ બલરામ કૃષ્ણની કથાનક પરાક્રમો ઉપરાંત સમયની દૃષ્ટિએ આ રાસમાં શરદની ચાંદની રાતનું મહત્ત્વ હતું. ધીરે ધીરે તેમાં તાલ, લય અને ગીત-સંગીત પણ ભળ્યાં. તેમ જ દંડ ચામર કે છૂરિકા દંડ વડે રમાવા લાગ્યા. આ રાસ નૃત્ય જોવાથી લોકોને આનંદ મળતો. ૨૫
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy