________________
આમ છતાં જેનું નામ “રાસ' નથી તેવા આ યુગના અંત ભાગમાં લખાયેલાં ત્રણ કાવ્યો, શ્રીધર વ્યાસ નો “રણમલ્લ છંદ, અસાઈતની “હંસાઉલી’ અને ભીમનો “સધ્યવત્સ વીર પ્રબંધ' એ રાસકાવ્યો નથી પણ પ્રબંધો જ છે.
૪) ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે, મધ્યકાળનું સાહિત્ય બધાં ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાં એ સમાજ શરીરમાં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે.
આમ મધ્યકાલીન યુગમાં જે સાહિત્ય રચાયું છે તે સાંસ્કૃતિક મૂલ્યો, ધાર્મિક, તાત્વિક વિષયોનો આશ્રય લઈને પ્રગટ થયું છે. વિષયોમાં સ્વમત કે કલ્પનાઓનો આશ્રય લીધા વગર સાત્વિક અને તત્ત્વદર્શનનું નિરૂપણ કર્યું છે. તેમ જ જૈનસાહિત્યમાં સામાજિક, લોકજીવન ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓની જાણકારી મળે છે. પરિણામે ધર્મ અને સાહિત્યનું “મણિકાંચન' જેવું સર્જન થયું છે. તેમાં પણ જૈન કવિઓને હાથે “રાસા' સાહિત્ય વધુ ખેડાયું છે. તેમાંનું કેટલુંક સાહિત્ય તો હજુ અપ્રગટપણે જ્ઞાનભંડારોમાં સચવાયેલું છે.