________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ |
પ્રસ્તાવ
૨૩૩
ભાવાર્થ :
પ્રકર્ષ સંતોષ નામના રાજાને જોવાની અત્યંત ઇચ્છાવાળો છે તેથી વિમર્શ સંતોષને બતાવવા અર્થે પ્રથમ અંતરંગ દુનિયામાં ચિત્તસમાધાન નામનો મંડપ બતાવે છે અને કહે છે કે તે ચિત્તસમાધાન નામના મંડપમાં સંતોષ નામનો રાજા દેખાશે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માનું ચિત્તસમાધાન પામેલું છે કે જગતના બાહ્ય પદાર્થોને અવલંબીને જીવમાં કોઈ પ્રકારના સુખની પ્રાપ્તિ નથી પરંતુ ભ્રમને કારણે જ બાહ્ય પદાર્થો મારા સુખનાં સાધન છે અને તેના સંચયથી હું સુખી છું અને દેહના અનુકૂળ સંયોગથી જ હું સુખી છું અને દેહના પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી છું તેવો ભ્રમ વર્તે છે. અને જેઓના ચિત્તમાં સમાધાન થયેલું છે કે જગતના બાહ્ય પદાર્થો મારા માટે અનુપયોગી છે તેથી તેનામાં યત્ન કરવો એ મારા માટે નિરર્થક પ્રવૃત્તિ છે, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા અર્થે જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયા કરવાથી મારો આત્મા નિરાકુળ નિરાકુળતર અવસ્થાને પ્રાપ્ત કરશે તેવું સમાધાન જેઓના ચિત્તમાં વર્તે છે તે ચિત્તસમાધાન નામનો મંડપ છે. નિર્મળ દૃષ્ટિવાળા જીવોને તે ચિત્તસમાધાન સુખને દેનારું છે અને અપ્રમત્તશિખર ઉપર વર્તતા જૈનપુરમાં વસનારા બધા લોકોને તે મંડપ અત્યંત વલ્લભ છે.
ભગવાનના શાસનને પામ્યા પછી વિવેકી જીવો ચિત્તસમાધાનને પામે તે પ્રકારે સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે અને તે મંડપમાં સંતોષ નામનો રાજા પ્રાપ્ત થશે. આ પ્રકારે વિમર્શે કહ્યું તેથી વિમર્શ અને પ્રકર્ષે અંતરંગ દુનિયામાં ચિત્તસમાધાનમંડપને જોવા માટે પ્રવેશ કર્યો અર્થાત્ માર્ગાનુસારી સૂક્ષ્મબુદ્ધિથી અપ્રમત્ત જીવોનું ચિત્ત કઈ રીતે સમાધાનવાળું હોય છે તેને જોવા માટે પ્રયત્નવાળા થયા. તેથી ચિત્તસમાધાનરૂપી મંડપને જોયો, જે મંડપ પોતાના પ્રભાવથી લોકોના સંતાપને દૂર કરનાર હોવાથી સુંદર જણાય છે; કેમ કે જે જીવોનું ચિત્ત સમાધાન તરફ જાય છે તે જીવોને સંસારના બાહ્ય અનુકૂળ ભાવો ઉન્માદ પ્રગટ કરતા નથી અને બાહ્ય પ્રતિકૂળ ભાવો ખેદ-ઉદ્વેગ આદિ કરતા નથી. ત્યાં તેઓએ ચાર મુખવાળા સંતોષ નામના મહાત્માને જોયા. જે સંતોષ રાજમંડપના મધ્યમાં રહેલ હતો. પોતાના જ્ઞાનની દીપ્તિથી તામસભાવ રહિત હતો, ઘણા લોકોથી વેષ્ટિત હતો અને સચિત્ત આનંદને દેનાર હતો. તે સ્વરૂપે વિશાળ વેદિકા ઉપર બેઠેલ ચારમુખવાળા તીર્થંકર નરેન્દ્રને તેઓએ જોયા. જેઓમાં ક્ષાયિકભાવ રૂપે સંતોષ વિદ્યમાન હતો; કેમ કે સંપૂર્ણ મોહનો નાશ થયેલો હોવાથી વીતરાગ સર્વજ્ઞ એવા તે મહાત્મા પૂર્ણ સુખની અવસ્થામાં સંતોષમય ભાવને ધારણ કરનારા હતા. તેને જોઈને પ્રકર્ષ હર્ષપૂર્વક કહે છે. આ રમ્ય જૈનનગર છે જેમાં આવા સર્વજ્ઞ પ્રભુ વિદ્યમાન છે, જેમાં આવો ચિત્તસમાધાન નામનો મંડપ છે અને જેમાં શાંત ચિત્તવાળા લોકો વસે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ નિર્મળ ચક્ષુથી ભગવાનની પ્રતિમાને જુએ છે તેઓને સાક્ષાત્ સમવસરણમાં બેસનારા ચારમુખવાળા તીર્થકરો દેખાય છે અને તે તીર્થકરોના વચનનું અવલંબન લઈને મોહનો નાશ કરવામાં તત્પર થયેલા ચિત્તસમાધાનમંડપમાં રહેલા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા દેખાય છે. જેનું ચિત્ત અત્યંત સમાધાન તરફ હોવાને કારણે સંસારમાં હોવા છતાં બાહ્ય નિમિત્તોજન્ય ફ્લેશથી તેઓ બહુધા સુરક્ષિત છે, હંમેશાં કષાયોના શમન માટે ઉદ્યમ કરનારા છે અને સર્વજ્ઞના વચનના પારમાર્થિક ભાવોને સૂક્ષ્મ સૂક્ષ્મતર જાણીને જિનતુલ્ય સંતોષવાળા થવા માટે યત્ન કરનારા છે.