SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ અનુસાર જિનવચનનું અવલંબન લઈને કષાયો અને નોકષાયોને ક્ષીણ કરવા યત્ન કરે છે, વિષયોની તૃષાને શાંત કરવા યત્ન કરે છે તેઓને માટે આ અટવી સર્વ પ્રકારના સુખની પરંપરા દ્વારા મોક્ષનું કારણ બને છે. વળી, આ ચિત્તરૂપી અટવીમાં પ્રમત્તતા નામની મહાનદી છે જે નદીના નિદ્રારૂપી તટો છે અને કષાયરૂપી જલ વર્તે છે અને મદિરાના સ્વાદ જેવી વિકથારૂપ પાણીનો પ્રવાહ વર્તે છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો તત્ત્વના વિષયમાં નિદ્રાના સ્વભાવવાળા છે તેથી તત્ત્વનો વિચાર કરતા નથી તેથી નિમિત્તો અનુસાર તેઓની ચિત્તરૂપી અટવીમાં પ્રમાદભાવ વર્તે છે, જેના કારણે કષાયોરૂપી પાણીમાં કલ્લોલો થાય છે અને તેવા પ્રમાદી જીવો મદિરાના સ્વાદ જેવી વિકથામાં રસ લેનારા હોય છે. તેથી આત્માના પ્રયોજનને છોડીને બાહ્ય પદાર્થોના વિષયોની જ વિચારણા કરે છે અને તેઓને તે પદાર્થની વિચારણારૂપ મદિરાનો નશો ચઢે છે જેથી અત્યંત પ્રમાદી થઈને તેઓમાં વિષયોના કલ્લોલો સતત થાય છે. તેથી જે જીવો આ નદીના તટ પાસે ઊભા રહે છે અર્થાત્ તત્ત્વના વાસ્તવિક પર્યાલોચનમાં નિદ્રાના સ્વભાવવાળા રહે છે તેઓ ક્વચિત્ ધર્માનુષ્ઠાન કરતા હોય કે ક્વચિત્ સંસારની પ્રવૃત્તિ કરતા હોય તોપણ બુદ્ધિહીન એવા તેઓ પ્રમત્તતા નદીના મહાવર્તામાં પ્રવેશ પામે છે, તે ક્ષણ માત્ર પણ જીવવા સમર્થ નથી; કેમ કે તેઓનો આત્મા તે નદીના પૂરમાં તણાઈને દુર્ગતિઓની પરંપરાના વમળમાં જ ફેંકાય છે. વળી, આ પ્રમત્તતા નદી રાગકેસરી અને દ્વેષગજેન્દ્રના નગરમાંથી નીકળેલી છે, આખી મહાટવીમાં રહેલી છે અને ઘોર સંસાર સમુદ્રમાં જઈને પડે છે એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રાજસ્ પ્રકૃતિવાળું છે અથવા તામસચિત્તવાળું છે તે જીવોમાં પ્રમાદનો સ્વભાવ સ્વાભાવિક વર્તે છે, ત્યાંથી જ આ પ્રમત્તતા નદીનો પ્રાદુર્ભાવ છે, જે જીવો દુરંત સંસારમાં જવાથી ભય પામેલા નથી તેવા જીવોને આ પ્રમત્તતા નદી અત્યંત પ્રિય છે આવા જીવો તત્ત્વની વિચારણામાં નષ્ટપ્રાય છે તેથી સાધુના કે શ્રાવકના આચારો પાળતા હોય તોપણ ભગવાનના વચનના પરમાર્થને જાણીને કષાયોના છેદમાં કે ઇન્દ્રિયોની તૃષાને શાંત કરવામાં યત્ન કરતા નથી, તેઓ સંયમજીવનમાં પણ પ્રમાદી થાય છે, બાહ્ય પદાર્થની વિચારણા કરવારૂપ વિકથામાં પ્રવર્તે છે તેઓ પ્રમાદરૂપી નદીમાં પડીને દુરંત સંસારમાં જઈને પડે છે. તેઓને તે પ્રમત્તતા નદીમાંથી બહાર નીકળવું દુષ્કર પડે છે. વળી, જે જીવોનું ચિત્ત સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે અને ભગવાનના વચનના રહસ્યને જાણવા યત્ન કરે છે તેઓનું રાજસચિત્ત અને તામસચિત્ત નષ્ટપ્રાયઃ જેવું છે. ક્વચિત્ તેઓ ભોગવિલાસ કરતા હોય તોપણ ભોગ હાનિની શક્તિનો સંચય કરનારા છે, ક્રમસર કષાયોને ક્ષીણ કરવાના યત્નવાળા છે, તેઓના ચિત્તરૂપી અટવીમાંથી આ પ્રમત્તતા નદી પૂર્વમાં નીકળેલી, પરંતુ અત્યારે ઘણા અંશે સુકાયેલ જેવી છે તેથી તેઓમાં પ્રમાદનો પરિણામ પ્રાયઃ વર્તતો નથી. ક્વચિત્ ક્યારેક પ્રમાદ થાય છે તોપણ તેઓમાં પ્રગટ થયેલો વિવેક તે પ્રમાદથી આત્માનું રક્ષણ કરાવવા યત્ન કરાવે છે, માટે તેઓના અલ્પ તામસભાવ અને રાજસભાવમાંથી પ્રગટ થયેલી તે નદી પણ નષ્ટપ્રાયઃ છે અને તે જીવો તત્ત્વની વિચારણામાં નિદ્રાવાળા રહેતા નથી તેથી તે નદીના આવર્તામાં પડતા નથી. તેથી ઘરસંસારમાં તેઓનો પાત નથી.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy