________________
જૈનધર્મ અવતારવાદમાં વિશ્વાસ કરતો નથી. તેની એ સ્પષ્ટ માન્યતા છે કે તીર્થંકર પણ એક સામાન્ય બાળકની જેમ જન્મ લે છે પરંતુ પોતાના પુરુષાર્થ અને આધ્યાત્મિક બળથી તેઓ તીર્થંકરરૂપે પ્રતિષ્ઠિત થાય છે. વૈદિક પરંપરા અવતારવાદમાં વિશ્વાસ ધરાવે છે. અવતારવાદનો સીધો અર્થ છે - ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું અથવા જન્મ લેવો. ગીતાની ષ્ટિ એ અવતાર લેવાનો એક માત્ર ઉદ્દેશ છે કે આ સૃષ્ટિમાં ચારેતરફ જ્યારે અધર્મનું સામ્રાજ્ય પ્રસરે ત્યારે તેને છિન્નભિન્ન કરીને સાધુઓના પરિત્રાણ અને દુષ્ટોનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવી. વૈદિકોના ઈશ્વરને સ્વયં રાગ-દ્વેષથી મુક્ત રહીને પણ ભક્તો માટે રાગ અને દ્વેષજન્ય કાર્યો કરવાં પડે છે. લોકહિત માટે સંહારનું કાર્ય પણ કરવું પડે છે. ઈશ્વરને માણસ બનીને પાપપુણ્ય કરવાં પડે છે. તેથી તેને લોકોને ભગવાનની લીલા તરીકે વર્ણવે છે. જૈનધર્મને આ અવતારવાદમાં વિશ્વાસ નથી. સિદ્ધત્વ અથવા ઈશ્વરત્વ પ્રાપ્ત આત્મા ફરીથી ક્યારેય સકમાં બની શકતો નથી. આવી સ્થિતિમાં તે ન તો જન્મ લે છે અને ન તો રાગદ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં સંલગ્ન બને છે. એ સુનિશ્ચિત છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા આંતરિક શક્તિઓનો વિકાસ કરીને તીર્થંકર અથવા કેવલી બની શકે છે.