SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અત્યાર સુધીની આપણી બધી જ ઝંખનાઓ બહાર દોડાવનારી રહી છે. ગુણોની ઝંખના અંદર લઇ જનારી છે. જે જે ગુણો જીવનમાં ખૂટતા હોય તે તે ગુણધારક લોકો તરફ હૃદયમાં આદરભાવ કેળવવા પ્રયત્નો કરવા જોઇએ. જો મને ગુસ્સો ઘણો આવે છે તો હું અંધક મુનિ આદિ ક્ષમાશીલ મુનિવરોનું ધ્યાન ધરીશ. જો મને લોભ ઘણો સતાવતો હશે તો હું પુણિયા શ્રાવકનું સ્મરણ કરીશ. જો મને ઉદ્ધતાઇ-અક્કડતા સતાવતી હશે તો હું નમ્રમૂર્તિ શ્રીગૌતમસ્વામીનું ધ્યાન ધરીશ. આવી-આવી વિચારધારા અને ધ્યાન-પદ્ધતિથી માણસ દોષમુક્ત બનતો જાય, ગુણપૂર્ણ બનતો જાય. એક વાત યાદ રાખો કે ક્રોડપતિનું બહુમાન કરવાથી ક્રોડપતિ થવાય કે ન થવાય, પણ ગુણીનું બહુમાન કરવાથી ગુણી થવાય જ. રૂપિયા બહારથી મળનારી ચીજ છે જયારે ગુણો આપણી અંદરથી પેદા થનારી ચીજ છે. બહારનું કંઈ પણ આપણા હાથમાં નથી. અંદરનું બધું જ આપણને આધીન છે. બીજામાં જે ગુણો છે, એ આપણામાં પણ પ્રચ્છન્નરૂપે છે જ. માત્ર પ્રગટ કરવાની જરૂર છે. ગુણી લોકોને જોઇને આપણને શ્રદ્ધા બેસે છે : આપણે પણ આવા ગુણી બની શકીએ. તેઓ આવા ગુણી બની શક્યા તો હું શા માટે ન બની શકું ? આપણી અંદર સૂતેલો સિંહ, સામે ગર્જના કરતા સિંહને જોઇને જાગી ઉઠે છે. આપણે જેની પ્રશંસા કરીએ છીએ, જેનું બહુમાન કરીએ છીએ, જાયે-અજાણે આપણે તેમના જેવા થતા જઈએ છીએ. આ એક અનુભવસિદ્ધ હકીકત છે. હૃદયમાં કદી સ્વવૃત્તિઓનું નિરીક્ષણ કરજો , એ ખરેખર કોને ઝંખે છે ? કોને પૂજે છે ? એ જેને પૂજતું હશે, ઝંખતું હશે, એ વસ્તુ મળી જ હશે. આપણને આજ સુધી વિષય-કષાય જ મળ્યા છે, આપણે વિષયી-કષાયી જ રહ્યા છીએ. કારણ કે આપણા હૃદયે હંમેશા વિષય-કષાયની જ પૂજા કરી છે. ભગવાનની પૂજા શા માટે કરવાની ? દર્શન શા માટે કરવાના ? કારણ કે પ્રભુ પાસે ગુણોનો ઉત્કૃષ્ટ વૈભવ છે. એમના પ્રતિદિન દર્શન-પૂજન કરવાથી આપણામાં ધીરે-ધીરે ગુણો ઉતરતા આવે છે. ‘જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” પંક્તિ આ જ સત્યનું પ્રતિપાદન કરે છે. ક્રોડપતિનું બહુમાન કરવાથી ભલે માણસ ક્રોડપતિ બની શકતો નથી, પણ એના હૃદયની ઝંખના તો વ્યક્તિ બને જ છે કે મારે પણ ક્રોડપતિ બનવું છે. એક વાર અંદરની ઝંખના તીવ્ર બની એટલે તે તરફ માણસ પ્રયત્નશીલ બનવાનો જ. મુખ્ય વાત જ ઝંખનાની મને અનેકવાર અનુભવ છે : કોઈ શાસ્ત્ર પંક્તિ ન બેસતી હોય તો હું સ્થાપનાચાર્યને ભાવપૂર્વક વંદન કરીને બેસું. ચિત્ત સ્વસ્થ બને. ને ઉપરથી કરુણા વરસતી હોય તેમ લાગે. અઘરી લાગતી પંક્તિ તરત જ બેસી જાય. બહુમાનપૂર્વક વાંચેલું હોય તો જ પંક્તિનું રહસ્ય હાથમાં આવે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા. નં. ૨૦૨), તા. ૨૨-૧૦-૨000, આ.વ. 10 નાનપણમાં મને પણ આ પંક્તિઓ (પૂ. દેવચંદ્રજીની) સમજતી ન હતી, જેટલી આજે સમજાય છે. પણ છતાં હું પ્રેમથી ગાતો. અનુભૂતિપૂર્ણ કૃતિઓની આ જ ખૂબી છે. તમે કાંઈ ન સમજો, છતાં બોલો તો તમારા હૃદયને ઝકઝોરે, તમારા અસ્તિત્વના ઊંડાણમાં ઊતરે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૧૬૧), તા. ૧૧-૧૦-૨૦00, આ.સુ. ૧૩ ઉપદેશધારા * ૧૮૨ | ઉપદેશધારા * ૧૮૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy