SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તો દૂર રહ્યા. પણ સામાન્યથી એમ પણ ન કહ્યું કે – “વાહ ! બહુ સુંદર ! ઘણું સરસ કામ કરી આવ્યા.' આચાર્યની ફરજ હોય છે કે જે ગચ્છમાં વિશિષ્ટ શક્તિવાળા હોય તેની ઉપબુહણા કરે. જો એ ઉપબૃહણા-પ્રશંસા કરીને શિષ્યોની પીઠ થાબડે નહિ, શિષ્યો તરફથી માત્ર સેવા જ લેતા રહે અને કાંઇ આપે નહિ તો તે આચાર્ય વિરાધક બને છે. આ દ્રાચાર્ય ભલે આચાર્ય પદે બિરાજમાન થઇ ગયા હતા. પણ એમનું ચિત્ત ગુણાનુરાગી બન્યું ન હતું. ચિત્તમાં ઊંડે-ઊંડે ગુણદ્વેષ ભરેલો હતો. શિષ્યોની ચડતી, શિષ્યોની થતી પ્રશંસા એમનાથી ખમાતી ન હતી. શિષ્યોની ખ્યાતિ વધતી જોઇને એમના પેટમાં દિવેલ રેડાતું. એમને ભય લાગતો કે કદાચ આ બધા મારા ભક્તો એમના તરફ ખેંચાઇ જશે તો ? મારું પદ એ ઝૂંટવી લેશે તો ? આથી જ શિષ્યોને આગળ વધતાં અટકાવવા એ અનેક પ્રકારના કાવાદાવાઓ કરવાનું પણ ચૂકતા નહિ. જેમ પેલો ઇન્દ્ર ઇન્દ્રાસન જવાના ભયથી તપ કરતા ઋષિને ચલિત કરવા પ્રયત્ન નથી કરતો ? હા... બસ અહીં પણ એવી જ મનોવૃત્તિ ઉપસી રહી હતી. ખરેખર તો આગળ વધતા શિષ્યોને જોઇને ગુરને આનંદ થવો જોઇએ. પુત્રની અને શિષ્યની ચડતીમાં જેને આનંદ થતો નથી તે બાપ, બાપ નથી. પણ પાપ છે, તે ગુરુ ગુરુ નથી. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : 'सर्वत्र विजयमिच्छेत् । पुत्रादिच्छेत् पराजयम् ॥ બીજે બધેય વિજય મળે તે સારું અને પુત્રથી (શિષ્યથી) પરાજય મળે તે સારું. આ નીતિવાક્યને પણ આચાર્યશ્રી ભૂલી ગયા હતા, શિષ્યોને વાત્સલ્યભીની નજરે જોવાને બદલે સ્પર્ધાભરી નજરે જોવા લાગ્યા હતા. પોતાની થોડી-ઘણી પણ કદર નહિ થવાના કારણે ચારેય શિષ્યો નારાજ થઇ ગયા. એમને થયું કે જો આપણા ગુરુદેવને આપણી કાંઇ પડી નથી તો આપણે નકામી મહેનત શા માટે કરવી ? આમ વિચારી તેઓએ શાસન-પ્રભાવનાનાં કાર્યો છોડી દીધા અને પ્રમાદમાં પડી ગયા. સારા કાર્યો કરવાનાં છોડી દઈએ એટલે પ્રમાદરૂપી પિશાચ તો મોટું ફાડીને તૈયાર જ ઊભેલો છે. શિષ્યોને પ્રમાદી બનતા જોઇને રુદ્રાચાર્યને ખૂબ જ આનંદ આવી ગયો. શિષ્યો ન ભણે તો સારું, શિષ્યો પ્રમાદમાં પડ્યા રહે તો સારું, શિષ્યો પ્રવચન પ્રભાવક ન બને તો સારું, શિષ્યોના કોઇ ગુણો ન ગાય તો સારું, શિષ્યોનું જીવન પ્રકાશિત ન બને તો સારું - આવી રુદ્રાચાર્યની ઇચ્છા સફળ બની ગઇ. ખરેખર જ ગુણી બનવું સહેલું છે, પણ ગુણાનુરાગી થવું મુશ્કેલ છે. ઈર્ષ્યાના પાપે રુદ્રાચાર્ય ઘોર પાપકમોં ઉપાર્જી દુર્ગતિમાં ચાલ્યા ગયા... અને શિષ્યો પણ પ્રમાદમાં પડી દુર્ગતિમાં ચાલ્યા ગયા. પણ કોના પાપે ? ગુરુના પાપે ! ગુરુ પર બહુ મોટી જવાબદારી છે. બસને ચલાવનાર ડ્રાઇવર, વિમાનને ચલાવનાર પાયલોટ અને નાવને ચલાવનાર નાવિક કરતાં ય ગચ્છનું સુકાન સંભાળનાર આચાર્યની જવાબદારી ઘણી મોટી છે. ડ્રાઇવર, પાયલોટ કે નાવિકની ભૂલે માત્ર દેહને જ આ ભવ પૂરતું નુકશાન થાય જયારે ગુરુની ભૂલે આત્માને ભવોભવ નુકશાન થઇ જાય. આથી જ ગુરુ પત્થરની કે કાગળની નાવ જેવા નહિ, પણ લાકડાની નાવ જેવા શોધવા જોઇએ. આવા સ્વ-પ૨ તારક ગુરુને શાસ્ત્રમાં બાર વર્ષ સુધી ૭00 યોજનના વિસ્તારમાં ફરીને પણ શોધવાનું કહ્યું છે. ખરેખર ગુરુપદની મહત્તા ઘણી મોટી છે. બજે મધુર બંસરી * ૩૦૬ બજે મધુર બંસરી * ૩૦૭
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy