SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર : ગુરુ ભગવંતો તો મમત્વહીન અને અપ્રમત્ત જ હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા શ્રાવકોમાં પણ એવા ગુરુ ભગવંતઅંગે જુદા-જુદા પ્રકારના ભાવો થવા સંભવે જ છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું જ છે - હે ગૌતમ! ચાર પ્રકારના શ્રાવકો કહ્યા છે - ૧) માતા-પિતા સમાન ૨) ભાઇ સમાન ૩) મિત્ર સમાન અને ૪) શૌક્ય સમાન...ઇત્યાદિ. - ગુરુ ભગવંતના વિરોધીઓ તરફથી એમના પર આવતા ઉપદ્રવોને પોતે પૂરી તાકાત વાપરી રોકવા જોઇએ. કહ્યું જ છે - સાધુઓ અને ચૈત્યો (દેરાસર અને જિનપ્રતિમા) અંગેના વિરોધભાવને અને અવર્ણવાદને (નિંદાને) તથા જૈનશાસનની હીલનાને પૂરા પ્રયત્નથી રોકવી જોઇએ. અહીં દૃષ્ટાંત બતાવે છે. સગરચક્રવર્તીનો પૌત્ર ભગીરથ પૂર્વે ઘણા ભવ પહેલા કુંભાર હતા. એક વખત એક સંઘ એક સીમાડાના ગામ પાસેથી પસાર થતો હતો. ત્યારે એ ગામમાં રહેલા સાંઇઠ હજાર માનવો એ સંઘના યાત્રિકો વગેરેને ઉપદ્રવ ક૨વા માંડ્યા. ત્યારે એ કુંભારે જ એ અટકાવવાનું કામ કર્યું હતું. - પોતાની ભૂલ થાય અને ગુરુ ભગવંત ઠપકો આપે, તો ‘તહત્તિ’ (આપે કહ્યું તેમ જ છે.) એમ કહીં બધું સ્વીકારી લેવું જોઇએ. કદાચ ગુરુ ભગવંતની કોઇ સ્ખલના થાય, તો એકાંતમાં એમાટે એમને કહેવું કે હે ભગવન્ ! આપના જેવા સુંદર સંયમીને આમ કરવું શું ઉચિત છે? વળી ભક્તિપૂર્વક સામે લેવા આવવું, આવે તો ઊભા થવું, આસન આપવું, પગ દબાવવા, તથા શુદ્ધ (નિર્દોષ) વસ્ત્ર, પાત્ર, આહાર વગેરે વહોરાવવું ઇત્યાદિ બધા પ્રકારે સમયોચિત વિનય – ઉપચાર કરવો જોઇએ. તથા ગુરુ ભગવંત પ્રત્યે હૃદયમાં નિર્દભ ગાઢ ગુણાનુરાગ રાખવો જોઇએ. વળી, પોતે અન્ય સ્થાને હોય, ત્યારે પણ એમના સમ્યક્ત્વદાનવગેરે ભાવ ઉપકારને હંમેશા યાદ કરવા જોઇએ. આ અને આવા બીજા વ્યવહારોથી ગુરુ ભગવંતો સાથે ઉચિત વ્યવહાર કરવો. નગરલોકો સાથે ઉચિત આચરણ પોતે જે નગરમાં રહેતો હોય, તેજ નગ૨માં વસતા પોતાને સમાન વૃત્તિવાળા એટલે કે વિણવૃત્તિ (= વાણિયાને ઉચિત આજીવિકા) વાળા લોકો અહીં નાગરિક તરીકે સમજવાના છે. એમની સાથેનો સમુચિત વ્યવહાર એ છે કે તેમની સાથે મેળવાળા થઇને રહેવું. સમાન સુખ-દુઃખવાળા થઇને રહેવું. તથા આપત્તિ-ઉત્સવવગેરેમાં હંમેશા તુલ્ય જવા-આવવાનો વ્યવહાર રાખવો. ‘તુલ્યતા’ એટલે એમની આપત્તિમાં પોતાને જાણે કે આપત્તિ આવી હોય એમ સમજી અને એમના ઉત્સવમાં પોતાનો ઉત્સવ સમજી વર્તન કરવું. જો પરસ્પરની આપત્તિ વગેરેમાં ‘મારે શું લેવા-દેવા?” એમ કરી પરસ્પર ઉપેક્ષાભાવ-ઔદાસિન્યભાવ રાખે, તો રાજા અને રાજ્યના અધિકારી વગેરે રૂપ શિકારીઓ માટે નાગરિકો સહેલાઇથી માંસના ટુકડા જેવા બની જાય. (રાજાવગેરે સરળતાથી કરવગેરે દ્વારા હેરાન કરી શકે.) કોઇ કાર્ય આવી પડે, તો પણ એકલાએ રાજાપાસે જવું નહીં, પણ બધાએ ભેગા મળી જવું. પરસ્પરની ગુપ્ત મસલતો જાહે૨ ક૨ી નાખવી નહીં, અને એક બીજાની ચાડી ખાવી નહી. પોતાને મહત્ત્વ મળે એ આશયથી અલગ-અલગ રાજા પાસે જવામાં બીજા સાથે મનભેદ-વેરભાવ થવો વગેરે દોષો રહ્યા છે. ૧૬૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy