SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખા રાજમહેલમાં ખળભળાટ મચી ગયો હતો. અંતેપુરના રખેવાળ, સેનાપતિઓ, મંત્રીઓ અને દાસ-દાસીઓનાં મોં જાણે સિવાઈ ગયાં હતાં. એમની બધી ચહલ-પહલ ચૂપચૂપ અને દબાયેલા પગલે થઈ રહી હતી. મહામંત્રીની બગી આવે, ન આવે ને જતી રહે. મહારાજાના અંગત મંત્રીનો ચહેરો ગંભીર અને તંગ હતો. બીજા રાજપુરુષો દોડાદોડ કરતા હતા ને રઘવાટમાં હતા. રાતે દીવા સળગ્યા, પણ જાણે ઉજાસ જ નહીં. બે દિવસ પૂર્વે આખો રાજમહેલ રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો. મહેલ જ નહીં, રાજધાનીની આખી નગરીમાં ઝળહળાટ હતો. આનંદ અને ઉત્સવનું પર્વ ઊજવાતું હતું. બ્રાહ્મણોના વેદગાનથી સવાર ઊગ્યું હતું. મહેલના દરવાજે ટંકાનિશાન ગગડતા હતા. બપોરના જમણવારમાં આખું નગર ઊમટ્યું હતું. રાજરજવાડાંના મહેમાનોથી અતિથિભવનો ધમધમતાં હતાં. જરકસી જામા અને લાલ-લીલા-કેસરી રંગના સાફાઓથી દરબાર ખંડ રોફ મારતો હતો. નજરાણાંની તાસકો સ્વીકારાતી હતી અને અંધારું ઊતરતાં તો નાચના છમ-છમાછમ-છમ અને તબલાના ધિન્નક-ધાના પડઘાથી મહેલ ગુંજી ઊઠ્યો હતો. રાજકુમારી સુરસુંદરીનાં લગ્ન થયાં હતાં. અને આજે? બધું સૂમસામ હતું. ચહલપહલ હતી, આવનજાવન હતી, નિત્યના નિયમિત ક્રમ પ્રમાણે બધો વ્યવહાર ચાલતો હતો, પણ એમાં જાણે પ્રાણ જ ન હતો. એક વજનદાર બોજ મહેલ પર પડેલો હતો. જલદી ઊકલે નહીં એવી ગૂંચ પડેલી હતી. મહારાજા પ્રજાપાળ એમના ખંડમાં વ્યગ્ર બની આંટા મારતા હતા. ઘડીક ઘૂંવાંપૂવાં થતા હતા, હાથ મસળતા હતા. મંત્રીઓ ઉપર અને રાજપુરુષો પર રીસ ઉતારતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં એ બધાંને ખંડમાંથી ચાલ્યા જવા માટે બરાડા પાડતા હતા. બેચાર વાર મ્યાનમાંથી તલવાર કાઢી, હવામાં વીંઝી ખંડના દરવાજાની બહાર પહોંચી ગયા હતા, પરંતુ ગંભીર મહામંત્રી એમને સમજાવી-પટાવી ખંડમાં લાવતા હતા. મહામંત્રી સોમદેવ ખંડમાંથી ખસતા જ ન હતા. મયણા ૧૩૯ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy