________________
નિવેદન પતંજલિનાં યોગસૂત્રોનું મહત્ત્વ ભારતીય પરંપરામાં યુગોથી છે. યોગદર્શન અને યોગસાધના બંનેના આધારભૂત ગ્રંથ તરીકે તેનું મહત્ત્વ સ્વીકારાયું છે અને તેનું અધ્યયન યુગે યુગે ભારતની ભૂમિમાં વિશિષ્ટ વિદ્વાનો દ્વારા થતું આવ્યું છે. વળી આજ તો યોગ (યોગા' એવા અશુદ્ધ ઉચ્ચારણ સાથે) સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે.
યોગસૂત્રો ઉપર મહર્ષિ વ્યાસવિરચિત સાંખ્યપ્રવચન ભાષ્ય અને વાચસ્પતિમિશ્ર દ્વારા વિરચિત તત્ત્વવૈશારદી આ બે ભાષ્યો સંસ્કૃત પરંપરામાં અગત્યનું સ્થાન ધરાવે છે. યોગદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કરવા ઇચ્છનાર વ્યક્તિ માટે આ બંને ભાષ્યો દિવાદાંડી સમા છે. આ બન્ને ભાણો ગુજરાતીમાં યોગ્ય રીતે ઉતારવામાં આવે એની તાતી આવશ્યકતા હતી.
આ કામ અઘરું હતું અને તેને સ્વમતિવિભવાનુસાર ગુજરાતીમાં મૂકી આપવાનું કામ એક અધિકારી વિદ્વાન ડૉ. રામકૃષ્ણ તુળજારામ વ્યાસ દ્વારા થયું તેનો આનંદ છે. ડૉ. વ્યાસ પ્રાચીન અને અર્વાચીન એવી બન્ને પ્રકારની સંસ્કૃત અધ્યયન પરંપરામાંથી પસાર થયા છે અને તેથી આ અઘરા કાર્ય માટે તે જ સમર્થ છે એવી મારી નમ્ર પણ દઢ મતિ છે. વળી આ આકરગ્રંથો છે. તે કેવળ શબ્દાર્થ પ્રક્રિયા જાણનાર માટે આત્મસાત થવા દુર્લભ છે. આ માટે જોઈએ છે તપ અને સાધના. ડૉ. વ્યાસ પોતાના અંગત જીવનમાં યોગના સાધક અને ગુરુવર્ય ભગવાન શ્રી રમણ મહર્ષિના ઉપાસક છે. ગંગાને ઝીલવા માટે શંકર જ જોઈ ને ! પરિણામે આપણને એક શ્રદ્ધેય અનુવાદ સાંપડે છે.
આવા અશક્યવત્ કાર્યને પોતાની સાધના વડે સિદ્ધ કરનાર ડૉ. રામકૃષ્ણ તુળજારામ વ્યાસને હું હૃદયથી અભિનંદન આપું છું અને હજુય આવા આકર ગ્રંથોના અધિકૃત અનુવાદો આપણને આપે તેવી આશા સેવું છું.
ગૌતમ પટેલ
વી. વી. પંડિત
મહામાત્ર સંસ્કૃત સાહિત્ય અકાદમી
અધ્યક્ષ
સંસ્કૃત સાહિત્ય અકાદમી