________________
પા. ૧ સૂ. ૫૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૩૧
નિર્બીજ સમાધિ, સમાધિ પ્રજ્ઞાના વિરોધી પર વૈરાગ્યથી ઉત્પન્ન થઈને, પોતે કારણ બનીને, ફક્ત સમાધિ પ્રજ્ઞાનો નહીં, પણ એ પ્રજ્ઞાએ કરેલા સંસ્કારોનો પણ વિરોધી છે.
પણ વૈરાગ્યજન્ય વિજ્ઞાન ફક્ત વિજ્ઞાનરૂપ પ્રજ્ઞાનો જ બાધ ભલે કરે, અવિજ્ઞાનરૂપ સંસ્કારનો એ બાધ કેવી રીતે કરી શકે ? જાગેલા માણસમાં પણ સ્વપ્રમાં જોયેલા પદાર્થની સ્મૃતિ (સંસ્કાર) જોવા મળે છે, એવા આશયથી “કસ્માત્?” શાથી ? એવો પ્રશ્ન પૂછે છે. “નિરોધજઃ સંસ્કારઃ' વગેરેથી જવાબ આપે છે કે નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારોનો નાશ કરે છે. જેનાથી પ્રજ્ઞાનો નિરોધ થાય, એવી વ્યુત્પત્તિથી નિરોધ એટલે પરવૈરાગ્ય સમજવાનો છે. એનાથી જન્મેલો સંસ્કાર “નિરોધજ” કહેવાય. એવા લાંબા સમય સુધી, નિરંતર, અને સત્કારપૂર્વક સેવેલા પરવૈરાગ્યથી જન્મેલા સંસ્કારથી જ (સમાધિ) પ્રજ્ઞાના સંસ્કારનો નાશ થાય છે, માત્ર વિજ્ઞાનથી નહીં.
ભલે. પણ “નિરોધજ” સંસ્કારના અસ્તિત્વમાં શું પ્રમાણ છે ? કાં તો એ પ્રત્યક્ષથી અનુભવાય અથવા કાર્યરૂપ સ્મૃતિથી એનું અનુમાન થાય. યોગીને સર્વવૃત્તિ નિરોધનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, અને સ્મૃતિ પણ નથી, કારણ કે વૃત્તિમાત્રનો (બધી જ વૃત્તિઓનો) નિરોધ થયો હોવાથી એ સ્મૃતિને જન્મ આપે એ સંભવિત નથી. એના જવાબમાં “નિરોધ સ્થિતિકાલક્રમાનુભવેન...” વગેરેથી કહે છે કે . નિરોધસ્થિતિ કે ચિત્તની નિરુદ્ધાવસ્થાના કાલક્રમ-મુહૂર્ત, અર્ધયામ, અહોરાત્ર (દિવસ અને રાત) વગેરેના અનુભવથી નિરુદ્ધ ચિત્તે કરેલા સંસ્કારોનું અનુમાન કરવું જોઈએ. કહેવાનો ભાવ એ છે કે વૈરાગ્યાભ્યાસના પ્રકર્ષ પ્રમાણે નિરોધનો પ્રકર્ષ મુહૂર્ત, અર્ધયામ વગેરે સમયમાં વિસ્તરેલો યોગીવડે અનુભવાય છે. પરવૈરાગ્યની ક્ષણો નિશ્ચિત ક્રમમાં પ્રગટ થઈને પરસ્પર સંબંધિત થઈ શકતી ન હોવાથી, તે તે સમયમાં ઉપસ્થિત રહીને નિરોધને વધુ ગાઢ બનાવવા માટે સમર્થ થતી નથી. તેથી વૈરાગ્યની તે તે ક્ષણોના પ્રચય (સમૂહ)થી ઉત્પન્ન થતા સ્થાયી સંસ્કારોનો સમૂહ એકઠો કરવાની ઇચ્છા રાખવી જોઈએ, એવો ભાવ છે.
પ્રજ્ઞાસંસ્કારોનો ઉચ્છેદ (નાશ) ભલે થાય, પણ નિરોધ સંસ્કારોનો નાશ શા માટે થવો જોઈએ ? અને એમનો ઉચ્છેદ ન થાય તો ચિત્ત સાધિકાર જ ગણાય. આ શંકાના નિરાકરણ માટે “વ્યુત્થાનનિરોધસમાધિપ્રભવૈ...' વગેરેથી કહે છે કે વ્યુત્થાન અને એના નિરોધથી થતો સમાધિ-સંપ્રજ્ઞાતસમાધિ- એનાથી ઉત્પન્ન થયેલા કૈવલ્ય તરફ લઈ જતા સંસ્કારો સાથે ચિત્ત પોતાના કારણરૂપ નિત્ય પ્રકૃતિમાં વિલીન થાય છે. આમ વ્યુત્થાનના અને સમાધિ પ્રજ્ઞાના સંસ્કારો ચિત્તમાં લીન