________________
આપ્તવાણી-૫
ટેપરેકોર્ડર' બોલે છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. ક્યાંય સાંભળવામાં ના આવી હોય એવી આ વાત છે !
એટલે આ સાંભળે છે તે કાનનો ધર્મ છે. બહેરો માણસ હોય તેને આપણે શું કહીએ કે કાન એના ધર્મમાં નથી.
હવે આંખનો ધર્મ શું છે ?
પ્રશ્નકર્તા : જોવાનો.
દાદાશ્રી : હા, આત્માનો ધર્મ આવું જોવું એ નથી. નાકનો ધર્મ શું છે ?
પ્રશ્નકર્તા : સૂંઘવું.
દાદાશ્રી : જીભનો ધર્મ શું છે ?
પ્રશ્નકર્તા : ચાખવું.
દાદાશ્રી : એટલે ગમે તે કડવું જીભ ઉપર મૂકો કે તરત જ ખબર પડી જાય. એટલે આ પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. હવે એવી પાછી પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય બેઉ છે. દ્રવ્યેન્દ્રિય ખલાસ થઈ જાય તોય મહીં ભાવેન્દ્રિય રહે. એટલે પાંચ દ્રવ્યેન્દ્રિયો ને ભાવેન્દ્રિયો બધાં પોતપોતાના ધર્મમાં જ છે.
મન પોતાના ધર્મમાં છે કે નહીં ?
પ્રશ્નકર્તા : એ સમજાતું નથી.
દાદાશ્રી : મન હંમેશાં વિચારે ચઢે. વિચારનાં ગૂંચળાં ચઢે ત્યારે આપણે એને મન કહીએ. મન બે જાતના વિચાર કરે. ખરાબ વિચાર કરે ને સારા વિચાર પણ કરે. એટલે બન્ને જાતના વિચારો કરવા એ મનનો ધર્મ છે અને વિચાર જ જો ના આવતા હોય તો એને એસેંટ માઈન્ડેડ' કહેવાય. હવે ગાંડાનેય ‘માઈન્ડ’ હોય, પણ ‘એબ્સેટ માઈન્ડેડ’ એટલે તો જીવ યોનિમાંથી નકામો થઈ ગયો કહેવાય.
આપ્તવાણી-પ
હવે અહીંથી સુરેન્દ્રનગર તમારું ઘર તમને દેખાય ખરું કે નહીં ? પ્રશ્નકર્તા : હા, દેખાય.
દાદાશ્રી : અને ઘરમાં ટેબલ ખુરશી બધું દેખાય કે ? પ્રશ્નકર્તા : હા, દેખાય.
દાદાશ્રી : એ મનનો ધર્મ નથી. આપણા લોકોને સમજણ નહીં હોવાથી એને મન માને છે. હવે વાસ્તવિકમાં આ મન જતું નથી, પણ ચિત્ત જાય છે. મન શરીરની બહાર નીકળી શકે જ નહીં. બહાર જે ભટકે છે તે ચિત્ત છે.
પ્રશ્નકર્તા : ચિત્ત અને મન, એ બે અલગ અલગ છે ?
દાદાશ્રી : હા, ચિત્ત ને મન બે અલગ અલગ જ છે. લૌકિક ભાષામાં ગમે તે બોલાય, પણ ભગવાનની ભાષા લોકોત્તર ભાષા છે. તે જ્યાં સુધી આપણે ના સમજીએ ત્યાં સુધી કોઈ દા'ડોય મોક્ષ થાય નહીં.
એટલે ચિત્ત બહાર ભટકે છે. અહીં રહ્યાં રહ્યાં ચિત્ત તમારું ઘર, ટેબલ, ઘડિયાળ બધું જોઈ લે અને મનનો સ્વભાવ એકલું વિચાર કરવાનો જ છે. મન સારું-ખોટું વિચારે ને સારું જોવું, ખોટું જોવું એ ચિત્તનો ધર્મ છે.
પ્રશ્નકર્તા : ચિત્તને જડ કહેવું કે ચેતન કહેવું ?
દાદાશ્રી : એ મિશ્રચેતન છે, એ ખરેખર શુદ્ધ ચેતન નથી અને મન તો બિલકુલ જડ છે.
હવે બુદ્ધિ એના ધર્મમાં છે. બુદ્ધિનું કામ શું છે કે નફો ને ખોટ દેખાડે. તમે ગાડીમાં બેસો કે તરત બુદ્ધિ દેખાડે કે પેલી જગ્યા સારી છે, અને દુકાનમાં પેસો ત્યાંય નફો-ખોટ દેખાડે.
મને બુદ્ધિ નફો-ખોટ નથી દેખાડતી, કારણ કે મારામાં બુદ્ધિ નથી,