SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર હું હું હળવે હળવે ખસકી જઉં, નહીં તો આ બીચારો પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘો જતો રહ્યો. આઘો જતો તે બોલ્યો કે હે રાજકુમાર ! તારો જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતો, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલો દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તો કોમળ થઈ ગયું કે હદ ! આ સઘળું થવાનું કારણ માત્ર જૈનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન મારવો આમ ઊગી નીકળ્યું હતું, જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તેં જ્યારે “નમો અરિહંતાણં" આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરો જૈનાસ્તિક થયેલો જોઈને ખેસવ્યું, માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતો જવા દઉં છું. એ ધર્મ તો એ ધર્મ જ છે. રે ! મને મનુષ્યજન્મ મળ્યો નથી. નહીં તો એ ધર્મનું એવું તો સેવન કરત કે બસ ! પરંતુ જેવો મારો કર્મપ્રભાવ. તોપણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલકરૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારો માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તો દિંગ થઈ ગયો. શો જૈનધર્મનો પ્રતાપ ! હું મોતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયો તો ખરો, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો ! જીવનદાન આપનાર તો એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદનો કશો પાર રહ્યો નહીં, મારું શરીર જ જાણે આખું હર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, અને તુરત જ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાનો બોધ કરો. એક નવકાર મંત્રના પ્રતાપથી હું જીવનદાન પામ્યો તો એ આખો ધર્મ પાળતાં શું ન થઈ શકે ? હે ભગવાન ! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ બોધો. (શાર્દુલવિક્રીડિત વૃત્ત) પામ્યા મોદ મુનિ, સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દૃઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિષે. (અપૂર્ણ) ૧૨ શ્રી પરમાત્મને નમઃ ૐ નમઃ સચ્ચિદાનંદાય સજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy