SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૨૭ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે; તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચક્રપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચક્રપ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત્ સમાગમે ચર્ચો તો ઠીક પડશે. બીજું પ્રશ્ન ‘ચૌદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાલે અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?' એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મુળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને ‘એક દેશે ઊણું” એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં ‘દેશે ઊણું’ ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. ‘દેશે ઊણું' કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદૃષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે; તોપણ બીજા નય પર હવે દૃષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઇ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવો શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ. '
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy