SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મું ૩૫ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી; પણ જળથી તેનો અભાવ છે; તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી હૈ માનવી । આત્માને ઉજ્જવળ કર, પ્રથમ દર્શન વૈરાગ્યબોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતેષી વિષયોની સુર્દઢતા થવા માટે બાર ભાવનાઓ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ૧. અનિત્યભાવના:- શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના ૨. અશરણભાવનાઃ- સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના, ૩. સંસારભાવનાઃ- આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. ૪. એકત્વભાવનાઃ- આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જો, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના, એક ૫. અન્યત્વભાવનાઃ- આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના ૬. અશુચિભાવનાઃ- આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રોગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિતવવું તે છઠ્ઠી અશુચિભાવના. ૭. આસ્રવભાવનાઃ- રાગદ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્રવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના. ૮. સંવરભાવનાઃ- જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના, ૯. નિર્જરાભાવનાઃ- જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. ૧૦. લોકસ્વરૂપભાવનાઃ- ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના. ૧૧. બોધદુર્લભભાવનાઃ- સંસારમાં ભમતાં આત્માને સમ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના. ૧૨. ધર્મદુર્લભભાવનાઃ- ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિતવવું તે બારમી ધર્મદુલભભાવના, એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શનાંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy