SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉતારી દઈ જ્ઞાનદર્શનયોગપરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે- अघुवे असासयंमि संसारंमि दुखपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा. “અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?' એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છેઃ- ‘અધુવે અસાસયંમિ’-આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્ફુરણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીઓ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સોળે કળાઓથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિતષિણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ.. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનનો વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યકૃત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. “પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપરકાર.' ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તો સમતુલ્ય દ્રશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયો પૂર્વે જણાવ્યા તે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે. એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે, 'સૂત્રકૃત્તાંગ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કેઃ- 'निव्वाणसेट्ठा जह सव्वधम्मा. ' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુઃખનો ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy