________________
સ્વાધ્યાય સંચય : ૧૬૧
જોયા દેવો પ્રભુજી! સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજમહીં અહા! ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મનમહીં ભાવના એ કરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારું હરે છે. ૨૧ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે! અનેક, કિંતુ ધારે રવિ-કિરણને પૂર્વ દિશા જ એક. ૨૨ મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ૨૩ સંતો માને પ્રભુજી! તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ! કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ! બહુ એકરૂપે રહ્યા છો, જ્ઞાનીરૂપે વળી વિમળતા પૂર્ણ તત્તે ભર્યા છો. ૨૪
દેવે પૂજા વિમળ મતિથી, છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો ‘મહાદેવ' આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે, છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી! સઘળા ગુણથી કૃષ્ણ આપ. ૨૫
થાઓ મારાં નમન તમને, દુ:ખને કાપનારા, થાઓ મારાં નમન તમને, ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને, આપ દેવાધિદેવ, થાઓ મારાં નમન તમને, સંસ્કૃતિ કાળ જેવા. ૨૬