________________
ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमोनमः
સંપાદકીય નિવેદન
આ મહાન ગ્રંથના સંપાદનનું કાર્ય મારી પાસે કેમ આવ્યું? મને તેનો લાભ કેમ મળ્યો ? અને મેં તેનું સંપાદન કેમ કર્યું ? તથા ચતુર્વિધ સંઘમાં આનું મહત્ત્વ કેટલું છે? તેમજ આ ગ્રંથ કેટલો પ્રાચીન છે વગેરે હકીકત પંચસંગ્રહના પ્રથમ ભાગમાં મારા સંપાદકીય નિવેદનમાં જણાવેલ હોવાથી અહીં પુનઃ જણાવવામાં આવતી નથી, જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું.
શ્રમણ-પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન ઘણા કાળથી ચાલ્યું આવે છે, કેટલીક વખત આ ગ્રંથ કેવળ જાણી લેવાની દૃષ્ટિએ જ ભણાય છે. ત્યાં સમજવું જોઈએ કે, કેવળ જાણી જવા માટે જ આ ગ્રંથ નથી, પરંતુ ખૂબ જ ચિંતન-મનન સાથે આઠ કરણરૂપ આ બીજા ખંડનું તલસ્પર્શીજ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી જો પ્રાપ્ત કરવામાં આવે તો કેટલુંય નવું નવું જાણવા મળી શકે છે. સાથે સાથે બંધાયેલ કર્મો ઉપર અધ્યવસાયો દ્વારા કેવા પ્રકારનું પરિણમન થાય છે, આત્મા કર્મપાશમાંથી કેવી રીતે મુક્ત બની મોક્ષગામી બને છે–તેનો સચોટ ખ્યાલ આવે છે.
પ્રત્યેક સમયે દરેક કર્મો એક સરખી રીતે બંધાતાં નથી પરંતુ અનેક રીતે બંધાય છે. વળી જે કર્મ જે રીતે બંધાયું હોય તે કર્મ તે જ ઉદયમાં આવે છે અને ફળ આપે છે એમ નથી. કેટલીક વાર કેટલાંક કર્મો જે રીતે બંધાયાં હોય તે જ રીતે નિયત કાળે ઉદયમાં આવે છે અને ફળ પણ આપે છે, પરંતુ કેટલીક વાર કેટલાંક કર્મો બંધ સમયે જે રીતે બંધાયાં હોય તેનાથી અન્ય રીતે ફળ આપે છે. અગર નક્કી થયેલ સમય કરતાં વહેલા-મોડાં અગર વધારે કાળ સુધી ફળ આપે છે, વળી કેટલાંક કર્મો તો ફળ આપ્યા વિના ક્ષય થઈ જાય છે એવું પણ બને છે.
એ રીતે કર્મોમાં બંધ સમયે અને બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત આઠ કિરણોનું સ્વરૂપ સમજવાથી સારી રીતે જાણી શકાય છે.
કર્મોનો બંધ સામાન્યતયા ચાર પ્રકારે થાય છે તેમાં ૧૧માથી ૧૩મા સુધીનાં ત્રણ ગુણસ્થાનકોમાં અસાંપરાયિક અર્થાત યોગમાત્રથી કેવળ સતાવેદનીયનો બંધ થાય છે તે પ્રુષ્ટ બંધ કહેવાય છે. જેમ સૂકાં કપડાં અગર દીવાલ ઉપર પવન દ્વારા ચોટેલ રજકણો તુરત જ છૂટા પડી જાય છે, તેમ માત્ર યોગ દ્વારા બંધાયેલ સાતવેદનીય કર્મ પણ બીજા સમયે ભોગવાઈને છૂટું પડી જાય છે. આ બંધ અસાંપરાયિક હોવાથી બહુલતાએ તેની વિવક્ષા કરવામાં આવતી નથી એટલે મોટા ભાગે સાંપરાયિક બંધને જ બંધ તરીકે ગણવામાં આવે છે.