________________
૨૨૦
પંચસંગ્રહ-૨
ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, તો તેની અપેક્ષાએ બેઈન્દ્રિયાદિકનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ શી રીતે આવે ? કારણ કે સંજ્ઞીપંચેન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અનેક કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ હોવા છતાં પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમયો કરતાં સંખ્યાતગુણા જ બતાવેલ છે.
ઉત્તર–જો કે અહીં ટીકામાં બેઇન્દ્રિયાદિક આઠ જીવભેદોના આયુષ્ય વિના સાત કર્મોનાં સ્થિતિસ્થાનો થકી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ બતાવેલ છે, પરંતુ વિચાર કરતાં તમારા જણાવ્યા મુજબ સંખ્યાતગુણ આવે પણ અસંખ્યાતગુણ ન આવે કારણ કે, પલ્યોપમના સંખ્યાતમા ભાગની અપેક્ષાએ બેઇન્દ્રિયાદિકનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ જ છે. તે કર્મપ્રકૃતિ ચૂર્ણિથી જણાય છે.
પ્રશ્ન-૫૦. બીજી પ્રકૃતિઓની જેમ આયુષ્ય કર્મની પ્રકૃતિઓમાં અનુકૃષ્ટિ તેમજ તીવ્રમંદતા કેમ બતાવેલ નથી ?
ઉત્તર–આયુષ્ય કર્મની પ્રકૃતિઓમાં જઘન્ય સ્થિતિબંધ વગેરેમાં સ્થિતિબંધના જે અધ્યવસાયો છે તેની અપેક્ષાએ દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં સર્વત્ર અસંખ્યાતગુણ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેથી જ અન્ય પ્રવૃતિઓમાં જેમ પ્રથમ સ્થિતિસ્થાનના રસબંધના અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જાય છે, તેમ આયુષ્ય કર્મની પ્રકૃતિઓના પ્રથમ સ્થિતિસ્થાનના રસબંધના અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જતા નથી. તેથી જ અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા આયુષ્ય કર્મની પ્રકૃતિઓમાં બતાવેલ નથી. એમ લાગે છે.
પ્રશ્ન૫૧. નિકાચિત કર્મમાં કોઈપણ કરણ લાગતું નથી અને અવશ્ય ભોગવવું જ પડે એમ પ્રથમ નિકાચિત કરણની વ્યાખ્યામાં બતાવેલ છે. તથા આઠમા ગુણસ્થાનકના અંત સુધી નિદ્ધત્ત અને નિકાચિત બંધ પણ ચાલુ હોય છે, અને આઠમા ગુણસ્થાનકે પણ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, તો તે નિકાચિત કર્મોનો અંતર્મુહૂર્તમાં ક્ષય કરી આત્મા કેવળજ્ઞાન શી રીતે પામી શકે ?
ઉત્તર–નિકાચિત કર્મમાં અપવર્તનાદિ કોઈપણ કરણો લાગતાં નથી પરંતુ અત્યંત તીવ્ર વિશુદ્ધ અધ્યવસાય દ્વારા કરાયેલ પ્રાયશ્ચિત્ત આદિ તપશ્ચર્યાથી તેમજ શ્રેણિમાં પ્રાપ્ત થયેલ અપૂર્વ અધ્યવસાય સ્વરૂપ શુક્લધ્યાન વગેરેથી અંતર્મુહૂર્તમાં નિકાચિત કર્મોનો પણ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અર્થાત નિકાચિત કર્મો ભોગવ્યા વિના ન જ છૂટે એમ માનવાનું નથી. આ બાબત વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ અધ્યાત્મમત પરીક્ષા-પાનું ૫૪, તથા વિશેષાવશ્યક ભાષ્ય-ગાથા ૨૧૫૪ ની ટીકા જોવી.
બંધનકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત