________________
१२
મારી વિનંતિનો સ્વીકાર કરી પરમ તપસ્વિની વિદુષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ સાહેબે પોતાનાં વિદુષી શિષ્યા મયૂરકલાશ્રીજી તથા મૃગલોચનાશ્રીજી વગેરે મહારાજ સાહેબને ત્રણેક માસ માટે મહેસાણા મોકલેલ અને તે બન્નેય મહારાજ સાહેબોએ મૂળમેટરને ઝીણવટથી તપાસવા ઉપરાંત કેટલાંક ઉપયોગી યંત્રો બનાવી આપેલ છે અને તે દરમ્યાન અહીં કર્મપ્રકૃતિના અભ્યાસાર્થે રહેલ પૂ. પરમ વિદુષી સાધ્વીજી ચંદ્રોદયાશ્રીજી મહારાજ સાહેબનાં પ્રશિષ્યા પૂ. ચારુધર્માશ્રીજી મહારાજ સાહેબે પણ સારસંગ્રહનો કેટલોક ભાગ લખવાદિકમાં સહકાર આપેલ છે.
પ્રેસકોપી, યંત્રો તથા શુદ્ધિપત્રક બનાવવામાં અને મેટર તપાસવાના કાર્યમાં સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક પંડિત શ્રી રતિલાલ ચીમનલાલ, શાંતિલાલ સોમચંદ તથા વસંતલાલ નરોત્તમદાસના સહકારથી આ કાર્યને સારો વેગ મળ્યો છે.
જેઓશ્રીએ મને આ ગ્રંથના સંપાદનનો અપૂર્વ લાભ આપ્યો છે તે પરમપૂજ્ય ૧૦૦૮. આચાર્યદેવશ્રી રુચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ ઉપર જણાવેલ પ. પૂ. મુનિભગવંતો, સાધ્વીજી મહારાજ સાહેબો તથા અધ્યાપક બંધુઓનો આ સ્થળે ખૂબ ખૂબ આભાર માનું છું.
અથાગ પરિશ્રમ કરી આ સંસ્થામાં મને દાખલ કરાવનાર સ્વર્ગસ્થ પ. પૂ. ૧૦૦૮ શ્રી કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય સ્વર્ગસ્થ પ પૂ. ૧૦૦૮ શ્રી જિતેન્દ્ર સાગરજી મહારાજ સાહેબ શિવગંજ પાઠશાળાના અધ્યાપક શ્રી જેસિંગલાલ ચુનિલાલભાઈ, સંસ્થાના માનદમંત્રી સ્વર્ગસ્થ ડૉ. સાહેબ શ્રી મગનલાલ લીલાચંદભાઈ, પૂજ્ય વિદ્યાગુરુ અને સંસ્થાના ભૂતપૂર્વ મૅનેજર પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, સ્વર્ગસ્થ પંડિત શ્રી ચંદુલાલ નાનચંદ, સ્વર્ગસ્થ પંડિત શ્રી વર્ષાનંદજી, અધ્યાપક શ્રી હરજીવનદાસભાઈ, અધ્યાપક શ્રી કુંવરજીભાઈ તથા શ્રી હરગોવિંદદાસભાઈ વગેરેએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અભ્યાસમાં આગળ વધવામાં મને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. સારસંગ્રહાદિક સાથે આ ગ્રંથનું સંપાદન કરી શક્યો છું તે ખરેખર તેઓશ્રીના શુભ આશીર્વાદનું ફળ છે.
સારસંગ્રહાદિક તૈયાર કરવામાં શક્ય તેટલી કાળજી રાખી હોવા છતાં છદ્મસ્થતાના દોષથી, મારી ઇન્દ્રિયોની પરાધીનતાના કારણે અને પ્રેસદોષ આદિના કારણે કંઈપણ સ્કૂલના રહી ગઈ હોય અને કોઈપણ સ્થળે આગમ વિરુદ્ધ લખાયું હોય તે બદલ સરલ ભાવે મિથ્યા દુષ્કૃત માગું છું અને આ વિષયના નિષ્ણાત સુજ્ઞ મહાશયોને જે કંઈ ક્ષતિ જણાય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞપ્તિ કરવાપૂર્વક વિરમું છું. વીર સંવત ૨૫૦૧
લિ. વિક્રમ સંવત ૨૦૩૧
વડગામ (રાજસ્થાન) નિવાસી ચૈત્ર સુદ ૧૩ બુધવાર
પુખરાજ અમીચંદજી કોઠારી તા. ૨૩-૪-૧૯૭૫.
શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
મહેસાણા (ઉત્તર ગુજરાત)