SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પ્રથમ આગમગ્રંથ “શ્રીઆચારાંગસૂત્ર'ના ત્રીજા અધ્યાયમાં ભગવાન મહાવીરની એક માર્મિક વાણી મળે છે, "पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्ज एवं दुक्खा पभोकरवसि ।" હે પુરુષ, તું પોતે પોતાનો નિગ્રહ કર, સ્વયં નિગ્રહથી તું સમસ્ત દુ:ખોથી મુક્ત થઈ જઈશ.” - જે કામનાઓ, જે વસ્તુઓ અને જે પ્રલોભનો તને દુ:ખ આપનારાં છે એની બાબતમાં તું સંયમ ધારણ કર. જે કામનાને તું સદા વળગી રહે છે, તે જ કામના તને થોડા સમયમાં છોડી જવાની છે અને એટલે જ સ્વયં નિગ્રહથી, અર્થાતુ, સાચા સંયમથી અથવા તો સુખના સાચા ગણિતથી મનુષ્ય એના જીવનની વ્યર્થતાઓ અને નિષ્ફળતાઓનો પાર પામી શકે છે. અજ્ઞાન, દુર્ગુણ, ભ્રામક માન્યતા, અપાર કામના અને ભૂતકાળપરસ્તીથી આવેલી આપત્તિઓને આપણે ઓળખીશું તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં જેને દુઃખો કહીએ છીએ, એ દુઃખોના સર્જનનું કારણ જીવનની ઊર્ધ્વતા અંગેનું આપણું અજ્ઞાન છે. સમ્યગજ્ઞાનના અભાવે રૂઢિ, માન્યતા અને વહેમોમાં આપણે ફસાઈ ગયા હોઈએ છીએ. દુર્ગુણ કે વ્યસન આપણને કોઠે પડી જાય છે. વર્ષોથી ચાલી આવતી ભ્રામક માન્યતાઓનો નત મસ્તકે સ્વીકાર કરી લઈએ છીએ. ચંચળ મન સતત કામનાના એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા માર્યા કરે છે અને વર્તમાનને સમજવાને બદલે વીતી ગયેલા ભૂતકાળમાં જીવવાનું આપણે પસંદ કરીએ છીએ. આને પરિણામે જીવનમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી હોય છે. એ સર્જાતી સમસ્યાઓને આપણે ‘દુઃખ' એવું લેબલ આપીએ છીએ, પરંતુ જો આપણા દુઃખના હાર્દમાં જઈશું તો એક સત્ય પ્રાપ્ત થશે : સાચી સમજણને કારણે દુઃખ અનુભવતા અંતઃકરણમાં પ્રસન્નતાનો ઝરો હોય છે. એ વહેવા લાગશે તે પછી આવનારી આપત્તિ કશી અસર કરશે નહીં, મુશ્કેલી ચિત્તને ધ્રુજાવશે નહીં. બધી જ યાતનાઓ, વેદનાઓ અને આકાંક્ષાઓનો અંત આવશે; કારણ કે ભીતરની પ્રસન્નતા આપણા અંતસ્તલમાં વહે છે. ચાલો, આપણા દુ:ખની ઊંડી શોધ કરીને પ્રસન્નતાના પાવન કિનારે આપણી જીવન-નાવને લાંગરીએ. પરમનો સ્પર્શ ૨૦૫
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy