SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પરમનો સ્પર્શ છે. ઘણી વાર “પોતે આવું કાર્ય કર્યું, તેનું પાછળનું કારણ આ હતું? એવાં માફીનામાં સહુની આગળ ધરવાં પડે છે. કરેલાં ખોટાં કાર્યો માટે ખોટાં બહાનાં ઊભાં કરવાં પડે છે. અંતે જ્યારે એ ભ્રષ્ટ કામની હકીકત બધે પ્રસરે છે ત્યારે દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડવા વલખાં મારવાં પડે છે. જીવનપ્રયોજન વિરુદ્ધની બાબતોનો ઇન્કાર કરવાની હિંમત કેળવવી જરૂરી છે. આવા ઇન્કારને કારણે ક્વચિત્ માનસિક યાતના સહેવાની તૈયારી પણ રાખવી પડે, પરંતુ એક મજબૂત નિર્ણય તમને ભવિષ્યની અનેક આફતોમાંથી અને નિર્બળ ક્ષણોમાંથી ઉગારી જશે. ચિત્તમાં દૃઢ નિરધાર હશે કે લક્ષ્યવિરોધી બાબતોનો અસ્વીકાર કરીશ તો જ જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. માટે તમારી પ્રવૃત્તિઓના વિરાટ વિશ્વને તમારા જીવનલક્ષ્યની આંખે જુઓ અને પછી આસપાસની અસંખ્ય પ્રવૃત્તિઓમાં પરિવર્તન આણો તે જરૂરી છે. ડરને કારણે કે હિંમતના અભાવે આવાં પરિવર્તનથી દૂર રહેનારી વ્યક્તિ જીવનભર પોતાની જાતની દયા ખાય છે, અણગમતા સંજોગો અને વિપરીત પરિસ્થિતિ વચ્ચે જીવે છે અને લક્ષ્ય પ્રાપ્તિથી દૂર રહ્યાનો સદૈવ વસવસો સેવે છે. તમારા પ્રયોજનની સિદ્ધિને માટે તમારે સ્વયં ઘણી બાબતો ત્યજવી પડશે. આજ સુધી અમુક બાબતો ખૂબ ગમતી હોય તો તે ગમતી બાબતોનો ત્યાગ કરવાની તૈયારી કેળવવી પડશે. મિત્રો સાથે કલાકોના કલાકો ગપ્પાં મારવાં ગમે, પરંતુ જ્યારે એમ લાગે કે આ જીવનલક્ષ્યને પ્રતિકૂળ છે, ત્યારે તે પરિસ્થિતિમાં પરિવર્તન આણવું પડશે. એનો અર્થ એ નથી કે મિત્રો મિત્રતાને માટે અયોગ્ય છે, પરંતુ એમની સાથે વિતાવવામાં આવતો દીર્ઘ સમય એ લક્ષ્યપ્રાપ્તિમાં અવરોધરૂપ બની રહે છે. આનો અર્થ એવોય નથી કે જીવનમાંથી બધું જ ત્યજીને માત્ર લક્ષ્યપ્રાપ્તિની પાછળ મંડી પડવું. આવી વ્યક્તિને જુદી જુદી ચીજવસ્તુઓના ભાવતાલની ખબર હોવી જોઈએ. દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિની માહિતી હોવી જોઈએ. પોતાના કૌટુંબિક સંબંધીઓથી એ વાકેફ હોવો જોઈએ. આ બધી બાબતો એના પ્રયોજનને, એના લક્ષ્યને સાધક હોતી નથી, પરંતુ એના જીવનને માટે આવશ્યક હોય છે. માત્ર લક્ષ્ય તરફ દોડ્યા કરે અને એ માટે જ બધી પ્રવૃત્તિ કરે, તો એ વ્યક્તિમાં સમજદારીને બદલે આત્યંતિકતા અને ક્વચિત્ જડતા પણ આવી જાય.
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy