SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પરમનો સ્પર્શ કારણ એટલું જ કે એ પોતે જિંદગીમાં “જૈસે થે'નો ઉપાસક બની ગયો હોય છે. નવું વિચારવાની મૌલિક દૃષ્ટિની વાત તો દૂર રહી, પરંતુ ધગશભેર જીવવાની એની વૃત્તિ પણ નષ્ટ થઈ ગઈ હોય છે. જો બીજમાંથી વૃક્ષ જ ન થાય, તો એ બીજનો અર્થ શું ? આવી સ્થગિતતા ધરાવતી વ્યક્તિઓ જે ખાડામાં બીજ રૂપે નખાઈ હોય, તે જ ખાડામાં જીવનભર બીજ રૂપે પડી-સડી રહે છે. વ્યક્તિ જીવન તરફ નિરુત્સાહી બનીને જોતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. એ બીજાના ઉત્સાહ પર હંમેશાં ઠંડું પાણી રેડતો હોય છે. કોઈ નવો વિચાર લઈને જાય તો કાં તો એનો અસ્વીકાર કરશે અથવા તો એની હાંસી ઉડાવશે; એનું કારણ એ છે કે એના હૃદયમાંથી ઉત્સાહનો આતશ ઓલવાઈ ગયો હોય છે. વ્યક્તિ પ્રગતિ કરવા ચાહતી ન હોય, કોઈ નવું સર્જન કરવા માગતી ન હોય, ત્યારે તે ઉત્સાહ દાખવવાનું બંધ કરે છે અને ધીરે ધીરે ઘરેડમાં સરી પડે છે. ઉત્સાહનાં સોપાન પર ચડીને જ પ્રગતિ સિદ્ધ થઈ શકે. નિરુત્સાહી વ્યક્તિ જીવનમાં હંમેશાં પીછેહઠ કરતી હોય છે. તમારા જીવનમાં આવી સ્થગિતતા આવી છે ખરી ? દામ્પત્યજીવન રગશિયું ગાડું બની ગયું છે કે પછી સહજીવનનો ઉત્સાહ છે ? જ્ઞાનના પૂર્ણવિરામ પર આવીને ઠરી ગયા છો કે પછી જિજ્ઞાસાનું અલ્પવિરામ રાખીને વધુ ને વધુ જ્ઞાન સંપાદિત કરો છો ? માત્ર રૂઢિ કે આડંબરને કારણે મંદિરમાં દર્શન કરવા જાઓ છો કે પછી દર્શન કરવા માટે ભીતરની તડપન હોય છે. રોગના ભયથી બચવા માટે વ્યાયામ કરો છો કે પછી વ્યાયામ કરવાનો ઉત્સાહ હોય છે ? ચીલાચાલુ ઘરેડમાં જીવવાની વૃત્તિ પહેલી બાદબાકી જીવનમાંથી પ્રાપ્ત થતા આનંદની કરશે અને બીજો છેદ ઉડાડશે એ સંબંધોમાં રહેલી ઉષ્માનો અને ઉત્સાહનો. પતિ-પત્ની ઘરની ચાર દીવાલોમાં એકસાથે જીવતાં હશે, પરંતુ એમની વચ્ચે મોટી દીવાલ ઊભી થઈ ગઈ હશે. ઘડપણમાં કશું કામ રહ્યું નથી, માટે “ચાલો, મંદિરે જઈએ” એમ માનીને એ મંદિરે જતાં હશે. એમાં વળી શિયાળાની થોડી ઠંડી હોય, ઉનાળાની જરા ગરમી હોય કે ચોમાસાનો ઝરમર વરસાદ હોય, તો “આજે ચાલશે, કાલે જઈશું' એમ માનીને મંદિરે જવાનું માંડી વાળતાં હોય છે. આધ્યાત્મિક જીવન જીવવું હોય, પરંતુ ઉત્સાહ ન હોય તો શું થાય?
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy