SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કારભારી કહે, “મહારાજ ! જોગી મહારાજ તો અઘોરી કહેવાય. કોને શું કહેવાય અને કોને શું ન કહેવાય એની એમને સમજ ન હોય. માટે આપ પંદર દિવસ થોભી જાવ. પંદરમે દિવસે ઘોડાને કંઈ થશે તો આપણે વિચાર કરીશું.” દિવસ વીતવા લાગ્યા. પંદરમે દિવસે રાજા દરબારમાં બેઠા હતા. ત્યાં જ અચાનક ખબર આવી : “રાજાસાહેબનો મનપસંદ ઘોડો અચાનક અવસાન પામ્યો છે.” રાજાના મોતિયા મરી ગયા. એની ઊંઘ હરામ થઈ ગઈ. એને થયું કે જોગી મહારાજની અગમવાણી સાચી હોય તો ? તાબડતોબ ગામેગામથી પંડિતોને બોલાવ્યા. પંડિતોએ કહ્યું કે ગંગાને કાંઠે જો વિષ્ણુયાગ કરાવવામાં આવે તો બધી અલાબલા ટળી જાય. પણ યજ્ઞ કરવા માટે કાશી જાય કોણ ? કાશીમાં ઘણા દિવસ રોકાવું પડે, બધાં અનુષ્ઠાન કરવાં પડે. વળી કોઈ જાણકાર પણ હોવો જોઈએ. બધું વિધિપુર:સર થાય છે કે નહીં એ જોવું જોઈએ. ગામમાં આવું કામ કરે એવો માણસ છે ખરો ? જે નિષ્કામભાવે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ કરાવે ? આ યજ્ઞ માટેની ચાર લાખ રૂપિયાની રકમ ભરોસાથી સોંપી શકાય ? આખરે બધાની નજર શિક્ષક પર ઠરી. તેઓ ખરેખર નિર્મોહી માનવી છે. સાચા વેદાંતી છે. વળી શાસ્ત્રોના એટલા જ જાણકાર છે. એમને બોલાવ્યા અને ચાર લાખ રૂપિયા સાથે વિષ્ણુયાગ માટે કાશી જવાનું કહ્યું, શિક્ષક કહે, આ તો રાજાજીનું કામ કહેવાય. રાજા એ તો લાખોનો પાલનહાર. એ કદીય ન મરજો. પણ મારી સાથે કોઈક બીજો નિસ્વાર્થી માણસ હોય તો સારું.” બીજો નિસ્વાર્થી માણસ લાવવો ક્યાંથી ? આખરે મંદિરમાં જપ-તપ કરતા ભગત મહારાજ પર સહુની નજર ઠરી. એમને બોલાવ્યા અને એ પણ મોતીની માળા @ ૭૨
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy